Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઓ બાપ રે... ૨૦૧૬માં ૧ દિવસમાં સરેરાશ ૧૦૬ મહિલાઓ ઉપર થયા રેપઃ દિલ્હી નંબર-૧

દેશમાં મહિલાઓ વિરૂધ્ધ વધતા જતાં અપરાધો

નવી દિલ્હી તા. ૧ : ૨૦૧૬માં ૧ દિવસમાં સરેરાશ ૧૦૬ મહિલાઓ સાથે રેપ થયા છે. આ આંકડા દેશમાં મહિલાઓ વિરુદ્ઘ વધતા જતા અપરાધો તરફ આંગળી ચીંધે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી કોર્ટ અને સરકારના કેટલાંક નિર્ણોય બાદ પણ સ્થિતિ સુધરી નથી. કડક કાયદો પણ આ બદી પર નિયંત્રણ લાદવામાં સફળ પુરવાર થયો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે ૨૦૧૬માં નોંધાયેલા કુલ રેપ કેસો પૈકી ૨,૧૧૬ છોકરીઓ ૦-૧૨ વર્ષની હતી. જયારે કુલ રેપ કેસો પૈકી ૩૬, ૮૫૯ (૯૪.૬%)કેસો પીડિતા આરોપીને ઓળખતી હોય તેવા હતા. આ તમામ આરોપીઓમાં પાડોશીઓ, કુટુંબના લોકો, લીવ ઈન પાર્ટનર, પતિ, માલિક, સહકર્મી વગેર સામેલ છે.

દેશની રાજધાની દિલ્હીમાં કુલ કેસો પૈકી સૌથી વધારે ૧,૯૯૬ રેપ કેસો નોંધાયા હતા, ત્યારબાદ ૭૧૨ રેપ કેસ સાથે મુંબઈ બીજા ક્રમાંકે છે, જયારે અનુક્રમે ૩૫૪ અને ૩૩૦ રેપ કેસો સાથે પુણે અને જયપુર ત્રીજા અને ચોથા ક્રમાંકે છે. NCRBના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, દેશભરમાં મહિલાઓ વિરુદ્ઘ થતા અપરાધોની સંખ્યામાં ૨.૯ ટકાનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે આખા ભારત દેશમાં વર્ષ ૨૦૧૬માં ૩૮,૯૪૭ રેપ કેસ નોંધાયા હતા જયારે આ સંખ્યા વર્ષ ૨૦૧૫માં ૩૪,૨૧૦ હતી. વર્ષ ૨૦૧૬માં ગેંગરેપની સંખ્યા પણ વધીને ૨,૧૬૭ થઈ ગઈ હતી જયારે આ સંખ્યા વર્ષ ૨૦૧૫માં ૨,૧૧૩ હતી. યુપીમાં વર્ષ ૨૦૧૬માં મહિલાઓ વિરુદ્ઘ અપરાધોના સૌથી વધારે ૧૪ ટકા (૩,૩૮,૯૫૪ કેસોમાંથી ૪૯,૨૬૨ કેસો) નોંધાયા હતા. જયારે આ યાદીમાં બીજા ક્રમાંકે ૯.૬ ટકા કેસો સાથે પશ્ચિમ બંગાળ છે.

વર્ષ ૨૦૧૬માં મહિલાઓ વિરુદ્ઘ અપરાધના કુલ નોંધાયેલા ૩,૩૮,૯૫૪ કેસો પૈકી ૩૨.૬ ટકા કેસો પતિ અને સંબંધીઓની ક્રૂરતાને લગતા હતા. જયારે બળાત્કાર કરવા માટે મહિલા પર હુમલો કરવાના ૨૫ ટકા કેસો આ યાદીમાં બીજા ક્રમાંકે છે. જયારે ૧૯ ટકા સાથે અપહરણના ગુનાઓ ત્રીજા ક્રમાંકે છે તેમજ ૧૧.૫ ટકા સાથે રેપના ગુનાઓ ચોથા ક્રમાંકે છે. વર્ષ ૨૦૧૬માં બળજબરીથી લગ્ન કરવા માટે મહિલાના અપહરણના કુલ ૩૩,૭૯૬ કેસો નોંધાયા હતા. જે પૈકી ૧૨,૦૭૦ કેસો માત્ર યુપીના જ હતા.

પોલીસ ઓફિસરોએ આ વિશે કહ્યું હતું કે કોઈની સાથે ભાગી જનારી સ્ત્રીઓના કેસ પણ અપહરણ તરીકે જ નોંધવામાં આવે છે. NCRBના ડેટા પરથી ખુલાસો થાય છે કે સ્ત્રીઓ વિરુદ્ઘ અત્યાચારના કેસો પૈકી ૨,૬૦,૩૦૪ કેસો વર્ષ ૨૦૧૬માં ટ્રાયલ ચલાવવા માટે કોર્ટમાં મોકલી દેવાયા છે. જે પૈકી ૨૩,૦૯૪ કેસોમાં આરોપીઓને સજા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં ૨૦૬ કેસો એસિડ એટેકના પણ નોંધાયા છે. જયારે ૭,૨૩૬ કેસો સ્ટોકિંગને લગતા છે. ૧૯ મહાનગરોના કેસો પૈકી NCRBના આ ડેટામાં દિલ્હી ૪૧,૭૬૧ ગુનાઓ પૈકી ૧૩,૮૦૩ ગુનાઓ સાથે ટોચ પર છે. દિલ્હી બાદ આ યાદીમાં મુંબઈ અને બેંગલુરુ આવે છે.

(11:30 am IST)