Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાજસ્થાનમાં સરહદ પારથી ફરી ઘુસ્યું પાકિસ્તાની બલૂન:બીએસએફ અને પોલીસ ઘટનાસ્થળે દોડી

બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે.

ભારત–પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા બિકાનેર જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની બલૂન સરહદ પરથી ઉડીને આવ્યું છે. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે. પોલીસે બલૂન જપ્ત કરી લીધું છે. બલૂનમાં કોઈ જીપીએસ કે અન્ય ઉપકરણ જોવા મળ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં સરહદ પારથી શંકાસ્પદ વસ્તુઓ ભારતીય સરહદમાં આવતી રહે છે. કેટલીકવાર પાકિસ્તાનથી સ્થાનિક લોકોને શંકાસ્પદ વોટ્સએપ કોલ પણ આવે છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ બલૂન બિકાનેરના ખાજુવાલા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ખાજુવાલાના 16 KHM ગામમાં ખેડૂત રાજુ મંજુના ખેતરમાં પાકિસ્તાન લખેલું બલૂન જોવા મળ્યું હતું. પાકિસ્તાની બલૂનની બાતમી મળતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની ખૂબ નજીક છે. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને સરહદ સુરક્ષા દળને આ અંગે જાણ કરી હતી.

માહિતી મળતાં જ દંતોર પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચીને બલૂન કબ્જે કર્યુ હતું. પાકિસ્તાની બલૂન મળવાની સૂચના પર સરહદી સુરક્ષા દળના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીએસએફના અધિકારીઓએ ત્યાં સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષાના દૃષ્ટિકોણથી સીમા સુરક્ષા દળ અને પોલીસ તેની સઘન તપાસ કરી રહી છે.

(12:19 am IST)