Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટના મામલે અરજદારે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે અને પીડિતોને ઝડપી ન્યાય મળે તેવી માગ

અમદાવાદ :મોરબીમાં ઝુલતો પૂલ તૂટવાની દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર દુર્ઘટના મામલે હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી અરજદારે માગ કરી છે. આ ઘટનાના મૃતકો અને ઈજાગ્રસ્તો પીડિતોને ઝડપી ન્યાય મળે તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં પણ જાહેરહિતની અરજી  દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે નિવૃત જજની અધ્યક્ષતામાં SIT બનાવવામાં આવે. SITની ટીમની રચના કરવામાં આવે અને બીજીવાર આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે દેશભરમાં આવેલા જૂના પુલ પર વધુ ભીડ એકત્રિત ન થાય તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. આ અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરશે.

 મોરબી પૂલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. આ દુર્ઘટનાને પગલે આજે 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે તો આજે પીએમ મોદીએ પણ મોરબીમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પીએમએ મોરબી સિવિલ હોસ્પિટલે જઈ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને મળ્યા હતા.

 ઉપરાંત પીએમએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો સાથે પણ રૂબરુ મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવા હતી અને દિલસોજી વ્યક્ત કરી હતી. તેમના દુ:ખમાં પીએમ સહભાગી થયા હતા અને તેમને હિંમત આપવાની કોશિષ કરી હતી. આ સમગ્ર ઘટના મામલે પીએમએ રિવ્યુ મિટિંગ કરી હતી અને ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરવાના કડક આદેશ આપ્યા હતા.

(11:21 pm IST)