Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

પોલીસ તપાસમાં ખુલાસો : ઝુલતા પુલનું રીનોવેશન કરનાર કોન્ટ્રાક્ટર અનક્વોલિફાઇડ.

રીનોવેશનમાં મુખ્ય કેબલ નહિ માત્ર ફ્લોરીંગ બદલાયું હતું : અનક્વોલિફાઇડ કોન્ટ્રાક્ટરને જ અગાઉ 2007માં પણ કામ અપાયું હતું, તેને કેમ બે વખત કામ અપાયું તે મામલે પણ તપાસનો ધમધમાટ

મોરબીની ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં પ્રાથમિક તપાસમાં મોટો ધડાકો થયો છે. જેમાં રીનોવેશન કરનાર કોન્ટ્રાક્ટ અનક્વોલિફાઇડ નીકળ્યો છે અને રીનોવેશનમાં કેબલ જૂનો જ રખાયો હોવાનું અને માત્ર ફ્લોરીંગ જ બદલ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી કોર્ટમાં આજે પોલીસ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટ ખાતે સરકારી વકીલ હરસેન્દુ પંચાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાર મુખ્ય આરોપીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. 8 મુદાઓ હતા જેને આધારે રિમાન્ડ મંગાયા હતા. જેમાંથી અમૂક મુદાઓ અત્યંત મહત્વના હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઓરેવા કંપનીના મેનેજરને પુલના રીનોવેશન અને મેનેજમેન્ટની જવાબદારી સોપાવામાં આવી હતી. મેનેજરે પુલના રીનોવેશન માટે ફેબ્રિકેશન કામ જે બે લોકોને સોપ્યું હતું તે અનક્વોલીફાઈડ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેની આ મામલે અન્ય કોણ કોણ જવાબદાર છે તે જાણવા રિમાન્ડ મંગાયા છે.
તેઓએ ઉમેર્યું કે તપાસ દરમીયાન બેદરકારીમાં કોણ કોણ સામેલ છે ? કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં અગાઉ વર્ષ 2007માં પણ આ જ બે અનક્વોલિફાઇડ લોકોને રીનોવેશનના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
સરકારી વકીલે કહ્યું કે FSL દ્વારા તેનો રીપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ કોર્ટમાં ક્યાંય ઓરેવા કંપનીમાં માલિક જયસુખ પટેલ અંગે ચર્ચા થઈ નથી. તેમજ રીનોવેશન કામગીરીમાં પુલના મુખ્ય કેબલ બદલવામાં ના હોવાનું અને માત્ર પુલનું ફલોરિંગ જ બદલવામાં આવ્યું હોવાનું પણ ડીવાયએસપીની તપાસમાં સામે આવ્યાનું સરકારી વકીલે જણાવ્યું હતું.

(10:46 pm IST)