Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાજકોટની શ્રેય કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે શું કમિશનનો રિપોર્ટ વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ખરા ?

ગુજરાતમાં વટહુકમ અનુસાર દ્વારા ગેરકાયદે બાંધકામોને કાયદેસર બનાવવાની પદ્ધતિ સામે પીડિતોના ધારાશાસ્ત્રી દુષ્યંત દવેએ ભારે નારાજગી દર્શાવતા કહ્યું કે "તમે અનધિકૃત બાંધકામ કેવી રીતે નિયમિત કરી શકો છો ? આ બંધારણ સાથેની છેતરપિંડી છે. આ ગેરકાયદેસર બાંધકામોને મ્યુનિસિપલ અને પોલીસ સત્તાવાળાઓના આશીર્વાદ છે, જેમણે આ માટે મોટી રકમ કટકટાવી છે: આ હોસ્પિટલોમાં કોઈ સલામતીનાં પગલાં ઉપલબ્ધ નથી: આ હોસ્પિટલો રહેણાંક વિસ્તારોમાં છે: આ ગંભીર ગુનાઓ છે

નવી દિલ્હી: ગુજરાતમાં રાજકોટ ખાતે  ૨૬/૧૧/૨૦૨૦ ના રોજ શ્રેય  કોવિડ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના મૃત્યુના પરિણામે બનેલી ઘટના અંગે સુઓ મોટો કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યની આ બાબતે  કાર્યવાહીની યોજના શું છે તે જાણવા માટે ઉત્સુકતા દર્શાવી છે અને ગુજરાત  સરકારની આ યોજનાઓ ઉપરની અપડેટ પોઝિશન દર્શાવતી એફિડેવિટ ફાઇલ કરે તેમ જણાવ્યું છે.

જસ્ટિસ ડી.વાય.  ચંદ્રચુડ અને હિમા કોહલીને તપાસ પંચની કાર્યવાહી અંગે  માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા  જસ્ટિસ ડી એ મહેતાની આગેવાની હેઠળ તપાસ પંચ રચવામાં આવેલ. આ તપાસ પંચ એ જાણવા માટે રચવામાં આવેલ કે  રાજકોટની શ્રેય કોવિદ  હોસ્પિટલમાં સર્જાયેલ આગની ઘટના કોઈ જવાબદારોની બેદરકારી અથવા ફરજના ભંગનું પરિણામ છે કે કેમ ? આ પંચનો અહેવાલ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવેલ. કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ હેઠળ કમિશનની રચના કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ વિધાનસભા સમક્ષ મૂકવો જોઈએ તે હકીકતને ધ્યાનમાં લઈને, બેન્ચે પૂછ્યું કે શું  રાજ્ય સરકાર દ્વારા આમ  કરવામાં આવ્યું છે ?
શું રિપોર્ટ વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ?  કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ હેઠળ કમિશનની રચના કરવામાં આવી હતી. તે અનુસાર તમારે એસેમ્બલી સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું."
ગુજરાત રાજ્યના વકીલ કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહીમાં જોડાઈ શક્યા ન હોવાથી, પ્રશ્નનો ચોક્કસ જવાબ આપી શકાયો ન હતો.  પરિણામે, સુપ્રીમની બેન્ચે ગુજરાત રાજ્યના વકીલને, સમિતિનો અહેવાલ વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો કે કેમ તે જણાવવા માટે સૂચના આપી હતી અને, જો ન રજૂ કર્યો હોય તો, રાજ્ય સરકાર ક્યારે આ રિપોર્ટ વિધાનસભા સમક્ષ મુકવાની છે ? તેમ પૂછ્યું હતું.
પીડિતો વતી હાજર રહેલા સિનિયર ધારાશાસ્ત્રી શ્રી  દુષ્યંત દવેએ રજૂઆત કરી હતી.
 "તેમને શું મળશે, ૫ લાખ ? શું તે માનવ જીવનના બદલાનું વળતર છે ? આ હોસ્પિટલોમાં કોઈ સલામતીનાં પગલાં ઉપલબ્ધ નથી. હોસ્પિટલો રહેણાંક વિસ્તારોમાં છે. આ ગંભીર ગુનાઓ છે,
તેણે ઉમેર્યુ હતું કે "એમાં કોઈ શંકા નથી કે આપણને  હોસ્પિટલોની જરૂર છે. પરંતુ રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે સીમાંકન થવું જરૂરી છે."
ધારાશાસ્ત્રીએ સુપ્રીમની  બેંચને જાણ કરી હતી કે ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ, ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાતમાં  અનધિકૃત, ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે એક વટહુકમ લાવેલ છે.
ગુજરાતમાં વટહુકમ અનુસાર દ્વારા દેરકાયદે બાંધકામોને કાયદેસર બનાવવાની રીતથી નિરાશ થયેલા શ્રી દવેએ ટિપ્પણી કરી હતી...
"તમે અનધિકૃત બાંધકામ કેવી રીતે નિયમિત કરી શકો છો? આ બંધારણ સાથેની છેતરપિંડી છે. આ ગેરકાયદેસર બાંધકામોને મ્યુનિસિપલ અને પોલીસ સત્તાવાળાઓના આશીર્વાદ છે, જેમણે આ માટે મોટી રકમ કટકટાવી છે, તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી, નાગરિકોએ તેની કિંમત ચૂકવી છે, અને હવે આ બાંધકામો નિયમિત કરવામાં આવશે."
જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે સુઓમોટોની કાર્યવાહીમાં, સુપ્રીમ કોર્ટ કદાચ વટહુકમની કાયદેસરતા અંગે કંઈ કરવાની સ્થિતિમાં ન હોય શકે, તેથી તેમણે વરિષ્ઠ ધારાશાસ્ત્રીને મુખ્ય મુદ્દાઓ સાથે ટૂંકી નોંધ આપવા કહ્યું, જેથી કોર્ટ પારામીટર્સ નક્કી કરી શકે, જેમાં કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી હોવાનું જરૂરી જણાય.
આ બાબતે સંમત થતાં, સાથે જ, શ્રી દુષ્યંત દવેએ બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન દોર્યું કે જેના ઉપર સર્વોચ્ચ અદાલતની વિચારણાની જરૂર પડશે.. જેમાં અનધિકૃત બાંધકામ અને તેની અસરો અને વળતરનો સમાવેશ થાય છે.

દરમિયાન  સુપ્રીમ કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું  કે "આવુ જાહેરનામુ સંઘર્ષાતમક બનશે. આ જાહેરનામુ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ ૧૨૨ હેઠળ છે. સરકાર કેવી રીતે એમ કહી શકે કે આવી સૂચના જારી કરીને, કાયદેસરની જોગવાઈઑ બિલકુલ લાગુ થશે નહીં ?  ટાઉન પ્લાનિંગ એક્ટની સાનુકૂળતામાં સેકશન ૧૨૨ના પરિપત્રો જારી કરી શકાય, પરંતુ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈઓનો અમલ રોકવા માટે જારી કરી શકાય નહિ. મને ખબર નથી કે સરકારને કોણ સલાહ આપી રહ્યું છે.

(11:08 pm IST)