Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે નવા સંસદ ભવનનું બાંધકામ ખોરવાયું : ઇન્ટીરિયરનું કામ અધૂરું

કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નવા સંસદભવનમાં યોજાય તેવી શક્યતા નથી.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નવા સંસદભવનમાં યોજાય તેવી શક્યતા દેખાતી નથી. સતત 24 કલાક કામ ચાલુ હોવા છતાં સંસદના નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સંસદ ભવનનાં વાયરિંગ અને ઓડિયો-વિઝ્યુઅલ કામમાં વિલંબ થઈ રહ્યો છે. નવી સંસદ ભવન માટેના કેટલાક ઓડિયો-વિઝ્યુઅલ સાધનો યુક્રેનથી આવવાના છે, જે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમયસર પહોંચ્યા નથી.

નવા સંસદ ભવન બિલ્ડિંગનું સિવિલ વર્ક અને સ્ટ્રક્ચર વર્ક લગભગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ ફ્લોર અને ઇન્ટીરિયરનું ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે એટલે કે નવા બિલ્ડિંગમાં ઇન્ટીરિયરનુંનું કામ હજુ અધૂરું છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જે ગતિએ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે મુજબ ડિસેમ્બર સુધીમાં સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. નવા સંસદ ભવનનું ઇન્ટીરિયરનું કામ અલગ-અલગ જગ્યાએ તૈયાર થઈ રહ્યું છે. જેને સંસદમાં લાવીને ફીટ કરવામાં આવશે. જેમ કે ફર્નિચર, કાર્પેટ, વોલ વુડ વગેરે તમામ કામો અલગથી તૈયાર કરીને સંસદ ભવન સુધી લઈ જઈને ફીટ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સંસદ ભવનનો ઉપયોગ નવા વર્ષના બજેટ સત્રમાં જ થાય તેવી શક્યતા છે. સંસદનું કામ પૂર્ણ થયા બાદ ત્યાંના સ્ટાફ સાથે મોકડ્રીલ કરવી પડે છે. આ મોકડ્રીલમાં સંસદના તમામ સ્ટાફ, અધિકારીઓ, સુરક્ષાને સમય આપવો પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડિયાનો સમય આપવો પડશે. બાંધકામ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, કોવિડમાં કોર્ટ પ્રક્રિયા અને પર્યાવરણીય મંજૂરીના કારણે બાંધકામના કામમાં થોડો વિલંબ થયો છે

(8:48 pm IST)