Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

યુપીમાં ૮૦૦૦ મદરેસા માન્યતા વગર ચાલી રહ્યા છે

દેશના સૌથી મોટા રાજ્યમાં સર્વેની કામગીરી પૂર્ણ : હજી સુધી સત્તાવાર આંકડો સામે નથી આવ્યો, તમામ જિલ્લાના કલેકટરો ૧૫ નવેમ્બર સુધીમાં સરકારને રિપોર્ટ સુપરત કરશે

નવી દિલ્હી, તા.૧ : દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં યોગી સરકારે શરૂ કરાયેલો મદરેસાઓનો સર્વે પૂરો થઈ ગયો છે.

આ સર્વેમાં ૮૦૦૦ જેટલી મદરેસાઓ માન્યતા વગર જ ચાલતી હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા રિપોર્ટમાં કરાયો છે. જોકે હજી સુધી સત્તાવાર આંકડો સામે નથી આવ્યો. તમામ જિલ્લાના કલેકટરો ૧૫ નવેમ્બર સુધીમાં સરકારને રિપોર્ટ સુપરત કરશે.

રાજ્યમાં આ સર્વેની શરૂઆત ૧૦ ડિસેમ્બરથી કરવામાં આવી હતી.તમામ ટીમોએ પોત પોતાના જિલ્લાના કલેકટરને હવે રિપોર્ટ સુપરત કરી દીધા છે. એવુ મનાઈ રહ્યુ છે કે, મુરાદાબાદ જિલ્લામાં સૌથી વધારે માન્યતા વગરની મદરેસાઓ ચાલી રહી છે. બીજા ક્રમે બિજનોર અને ત્રીજા ક્રમે બસ્તી જિલ્લો છે.

મદરેસા બોર્ડના સૂત્રોના કહેવા પ્રમાણે પ્રાથમિક તબક્કે કુલ ૮૦૦૦ મદરેસાઓની માન્યતા નહીં હોવાનુ જાણવા મળ્યુ છે પણ સાચો આંકડો તમામ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

સર્વેમાં ખાસ કરીને મદરેસાઓની આવકના સોર્સ, પાણી-વીજળી તેમજ ટોઈલેટસ વગેરેની વ્યવસ્થા કેવી છે અને મદરેસાઓનુ સંચાલન કઈ સંસ્થા કરે છે તે બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. સાથે સાથે તેમાં ભણાવાતો અભ્યાસક્રમ, ભણાવનારા શિક્ષકોની સંખ્યા તથા વિદ્યાર્થીઓની સંખ્યા જેવા મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી છે.

(7:51 pm IST)