Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચશેઃ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાનીની ભવિષ્યવાણી : પહેલા ભારતીય ટીમને સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ જવા દો, કારણકે સેમિ ફાઈનલમાં પહોંચતા પહેલા ભારતે બે મેચ રમવાની છે

નવી દિલ્હી, તા.૧ : બીસીસીઆઈના પૂર્વ ચેરમેન તેમજ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આડકતરી રીતે ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત ફાઈનલમાં પહોચશે તેવી ભવિષ્યવાણી કરી છે.ટી-૨૦ વર્લ્ડકપમાં હજી ગ્રૂપ મેચો રમાઈ રહી છે. ભારત પોતાના ગ્રૂપમાં બે મેચ જીતી ચુકયુ છે અને એક મેચ હાર્યુ છે. આ સંજોગોમાં ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં તો પહોંચે તેવી શક્યતાઓ છે જ. બીજી તરફ સૌરવ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિસેશનની મિટિંગમાં કહ્યુ હતુ કે, ભારતે અત્યાર સુધી એક જ મેચ ગુમાવી છે અને બધા પ્લેયરો સારો દેખાવ કરી રહ્યા છે.તે જોતા લાગે છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારત ફાઈનલમાં પહોંચી શકે છે.મને આશા છે કે, ૧૩ નવેમ્બરે ભારત ફાઈનલમાં રમશે.

જોકે તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, આ પહેલા ભારતીય ટીમને સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ જવા દો. કારણકે સેમિ ફાઈનલમાં પહોંચતા પહેલા ભારતે બે મેચ રમવાની છે.

ભારતે હવે પોતાની બે મેચ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે રમવાની છે. સેમિ ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બાંગ્લાદેશ સામે આવતીકાલની મેચ કોઈ પણ હિસાબે જીતવી પડશે. કારણકે સાઉથ આફ્રિકા સામે પર્થમાં રમાયેલી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

(7:49 pm IST)