Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

બપ્પી દાના જીમી, જીમી, આજા આજા, ગીત સાથે ચીનની પ્રજાનો સરકાર સામે વિરોધ

કોવિડના કડક નિયમોથી ચીનની પ્રજા પરેશાન : 'જી મી, જી મી નો અનુવાદ કરાય તો તેનો અર્થ થાય છે, મને ચાવલ આપો, મને ચાવલ આપો

નવી દિલ્હીે, તા.૧ : ચીનની કડક કોવિડ નીતિ અને તેના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોથી લોકો પરેશાન છે. દેશના લોકો હવે સ્વર્ગસ્થ સંગીતકાર બપ્પી લહેરીના ગીતોનો ઉપયોગ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. લોકડાઉન વિરુદ્ધ પ્રદર્શનમાં લોકો ૧૯૮૨ની ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'ના પ્રખ્યાત ગીત 'જીમી જીમી આજા આજા'નો ઉપયોગ કરતા જોવા મળી રહ્યાં છે.

બપ્પી લહેરીના આ ગીતને ચીનની સોશિયલ મીડિયા સાઇટ 'દોઈયુન' (ટીકટોકનું ચાઇનીઝ નામ) પર મેન્ડરિન ભાષા 'જી મી, ઝી મી'માં ગાવામાં આવી રહ્યું છે. જો આપણે 'જી મી, જી મી' નો અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે 'મને ચાવલ આપો, મને ચાવલ આપો'.

તાજેતરમાં જ શાંઘાઈમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જો કે, ચીનની કડક કોવિડ નીતિ અને તેના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે દેશની સામાન્ય જનતા ખૂબ જ પરેશાન થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચીનના એક વીડિયોમાં લોકો ખાલી વાસણ બતાવી રહ્યા છે અને લોકડાઉન દરમિયાન ખોરાકની અછતની સ્થિતિ કેટલી ખરાબ છે તે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, જ્યારે સામાન્ય રીતે દેશની સરકારની ટીકા કરતા વીડિયોને તરત જ હટાવી દેવામાં આવે છે.

નિરીક્ષકોનું કહેવુ છે કે, ચીનીઓએ તો 'જીમી, જીમી' નો ઉપયોગ કરીને પ્રદર્શન કરવાની અદ્ભુત રીત અપનાવી છે. જેના દ્વારા ચીની લોકો ઝીરો-કોવિડ પોલિસીના કારણે જનતાને પડી રહેલી સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છે. ચીનમાં શૂન્ય-કોવિડ નીતિ હેઠળ, શાંઘાઈ સહિત ડઝનેક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે લોકોને કેટલાક અઠવાડિયા સુધી તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી હતી.

મહત્વનું છે કે, ભારતીય સિનેમા હંમેશા ચીનમાં લોકપ્રિય રહ્યું છે અને ૧૯૫૦-૬૦ના દાયકામાં રાજ કપૂરની ફિલ્મોથી લઈને '૩ ઈડિયટ્સ', 'સિક્રેટ સુપરસ્ટાર', 'હિન્દી મીડિયમ', 'દંગલ' અને 'અંધાધૂન' પણ અહીં જ બનાવવામાં આવી હતી.

 

(7:47 pm IST)