Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

અમેરિકાના નિર્ણયથી ઉશ્કેરાઈને ચીનની મિસાઈલ હુમલાની ધમકી

ઓસ્ટ્રેલિયામાં બી-૫૨ વિમાન તૈનાત કરવાનો યુએસનો નિર્ણય : ચીનના લશ્કરી નિષ્ણાત ઝાંગ શુઈફેંગે ક્હયું હતું કે, બી-૫૨ વિમાનો ઓસ્ટ્રેલિયાની રક્ષા તો નહીં કરે શકે પણ ભડકો જરૂર કરાવશે

નવી દિલ્હી, તા.૧ : ઓસ્ટ્રેલિયામાં પરમાણુ હથિયારોથી સજ્જ બી-૫૨ વિમાનો તૈનાત કરવાના અમેરિકાના નિર્ણય બાદ ચીનને મરચા લાગી ગયા છે.ચીને કહ્યુ છે કે, ઓસ્ટ્રેલિયામાં અમેરિકા આ વિમાનો તૈનાત કરીને આ ક્ષેત્રમાં હથિયારોની રેસને નવેસરથી ભડકાવી રહ્યુ છે. આ વિસ્તારમાં તણાવ સર્જાવાનો ખતરો પણ વધી ગયો છે.

ચીનના લશ્કરી નિષ્ણાત ઝાંગ શુઈફેંગે તો ઓસ્ટ્રેલિયાને અમેરિકાને સાથ આપવા બદલ મિસાઈલ હુમલાની ધમકી પણ આપી દીધી છે.ઝાંગે ક્હયુ હતુ કે, બી-૫૨ વિમાનો ઓસ્ટ્રેલિયાની રક્ષા તો નહીં કરે શકે પણ ભડકો જરૂર કરાવશે. ચીનની ડોંગફેંગ મિસાઈલ બી-૫૨ બોમ્બર કરતા વધારે ઝડપથી ઉડાન ભરી શકે છે.

જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, તમામ દેશોને સુરક્ષા સહોયગની જરૂર હોય છે. ચીન તમામ પક્ષોને અનુરોધ કરે છે કે, કોલ્ડ વોરના સમયની જુનવાણી માનસિકતાનો ત્યાગ કરે અને એવા નિર્ણયો લે જે તમામ પક્ષોના પરસ્પરના વિશ્વાસ માટે અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી હોય.

(7:46 pm IST)