Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

સિવિલમાં દાખલ ૬ ઘાયલોની તબિયત હાલ સામાન્ય: સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે જોવા વડાપ્રધાનની ખાસ સૂચના

 મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) - આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘાયલો સાથે વાત કરીને આપવીતી જાણી હતી. ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય અને તેમની ઉત્તમ સારવાર થાય તે જોવા વડાપ્રધાનશ્રીએ સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સૂચના આપી હતી.
આ તકે તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. પી.કે. દૂધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:50 pm IST)