Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઓશો આશ્રમ (પુણે)ના વેચાણના કમિશ્નરના આદેશથી અનુયાયીઓ હચમચી ગયા

ઓશો સન્‍યાસીઓએ હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરી સંપુર્ણ વેચાણ પ્રક્રિયા રદ કરવા માંગણીઓ કરી છે:ઓશોની અમુલ્‍ય ભેટોને ભાવી પેઢીઓ માટે અવિભાજીત અને સંપુર્ણ રાખવા દેશ-વિદેશના અનુયાયીઓ આગળ આવે : અપીલ

નવી દિલ્‍હી, તા., ૧: મુંબઇ ચેરીટી કમિશ્નરના તાજેતરના આદેશથી ભગવાન રજનીશ (ઓશો)ના અનુયાયીઓ હચમચી ગયા છે. પુણેના કોરેગાંવમાં શાંતિ અને પ્રેમના પ્રતીક રૂપ ઓશો આશ્રમને અડીને આવેલા હિસ્‍સાને વેચવાની પ્રક્રિયાએ હડકંપ મચાવી દીધો છે. ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન દ્વારા ઓશો આશ્રમના ભાગો વેચવા માટે નવી બીડ મેળવવાની મંજુરી આપી છે. ઓશો ઇન્‍ટરનેશનલ મેડીટેશન રીસોર્ટના જે ભાગને વેચાણ માટે તારવવામાં આવ્‍યો છે. તે સમાધી વિસ્‍તારની એકદમ નજીક છે. તેમાં ઓલમ્‍પીક કદનો સ્‍વીમીંગ પુલ અને ટેનીસ કોર્ટ છે. જેને ઓશો બાશો તરીકે ઓળખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ ચેરીટી કમિશ્નર ઓફીસમાં જુલાઇ-ર૦ર૦માં શરૂ કરવામાં આવેલી છેલ્લી બીડ પ્રક્રિયા અંગેની સુનાવણી હજુ પણ પેન્‍ડીંગ છે.

ઓશોના માર્ગદર્શન અને સુચના મુજબ સ્‍વીમીંગ પુલ અને ટેનીસ કોર્ટનો વિસ્‍તાર  ડેવલોપ કરવામાં આવ્‍યો હતો . ઓશોનું કહેવું હતું કે, ધ્‍યાન (મેડીટેશન)ના દ્વાર ખોલવા માટે સ્‍વીમીંગ અને રેકેટ પ્‍લે જેવી રમતો ઉપયોગી બને છે. તેમનો આગ્રહ હતો કે આધુનીક માણસોની જરૂરીયાતો આધુનિક હોય છે જે સંતોષવી પડે. છેલ્લા દાયકાઓમાં ઓશો આશ્રમના આ ભાગમાં હજારો લોકોએ ધ્‍યાનમાં ભાગ લીધો છે અને અહિં એક વિશેષ ઉર્જા ક્ષેત્ર બન્‍યું છે. પ્‍લોટ ૧પ અને ૧૬  જીવંત ઉર્જા ક્ષેત્રના અવિભાજય એકમો છે જે ઓશોએ બનાવ્‍યા હતા.

ઓશો આશ્રમના અમુક ભાગના વેચાણની પ્રક્રિયા આધ્‍યાત્‍મીકતા અને આંતરીક શોધમાં રસ ધરાવનારા કોઇ પણ લોકો માટે આંચકારૂપ છે. અહીંની એક ઇંચ જમીનનું વેચાણ પણ આધ્‍યાત્‍મીક આંતરીક શોધના આ મહાન યજ્ઞને ન ભરી શકાય તેવું નુકશાન પહોંચાડી શકે છે તેવુ સ્‍વામી ચૈતન્‍યકિર્તીનું કહેવું છે. તેમણે કહયું કે, આ ઉર્જાક્ષેત્રના મહત્‍વને સારી રીતે જાણતા હોવા છતા જુલાઇ-ર૦ર૦માં ઓશો બાશોને વેચવા માટે કોવીડ કલોઝરના ઓઠા હેઠળ ઉતાવળમાં બીડ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સૌથી ઉંચી બોલી લગાવનાર રાજીવ બજાજ સાથે એમઓયુ કરવામાં આવ્‍યા હતા. ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન દ્વારા બજાજ પાસેથી રૂા. પ૦ કરોડ એડવાન્‍સ લેવામાં આવ્‍યા હતા. ઓઆઇએફ વતી એમઓયુ ઉપર હસ્‍તાક્ષર કરનારા ચાર ટ્રસ્‍ટીઓમાં મુકેશ સારડા, પ્રતાપસિંહ અને દેવેન્‍દ્ર દેવેલ તેમજ સાધના બેલાપુરકરનો સમાવેશ થાય છે. આ વેચાણ પ્રક્રિયા સામે સમગ્ર ભારતમાં અને વિશ્વના કેટલાક ભાગોમાં ભારે વિરોધ ઉઠયો છે. એક દાયકા કરતા વધુ સમયથી સ્‍વામી પ્રેમગીત (યોગેશ ઠક્કર) અને સ્‍વામી અનાડી (કિશોર રાવલ) ઓશોના કોરેગાંવ પાર્ક આશ્રમને નુકશાન પહોંચાડવાની ઓઆઇએફની પ્રક્રિયાનો વિરોધ કરી રહયા છે. માર્ચ-ર૦ર૧થી અન્‍ય સન્‍યાસીઓ અને ઓશોના મિત્રો આ વિરોધમાં જોડાવવા લાગ્‍યા છે. આ અંતર્ગત વિશાળ ઇ-મેઇલ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ર૮ સન્‍યાસીઓએ ચેરીટી કમિશ્નરને અરજી કરી બાશોના વેચાણ સામે વાંધો ઉઠાવ્‍યો છે. ઓગષ્‍ટ-ર૦રરમાં યોગેશ ઠક્કર અને કિશોર રાવલે ભંડોળના દુરપયોગ, બેદરકારી, અન્‍ય ઓશો પ્રેમીઓ સાથે ભેદભાવ સહીતની બાબતો એ હાઇકોર્ટમાં ન્‍યાયની માંગણી કરી છે. આ અંતર્ગત થયેલા હુકમમાં મિલ્‍કત સબંધી કોઇ પણ હિલચાલ પહેલા ટ્રસ્‍ટની કામગીરીની તપાસ કરવા જણાવાયું હતું. ત્‍યાર પછી ઓકટોબર-ર૦રર માં ચેરીટી કમિશ્નર મુંબઇએ બાશોના વેચાણ માટે નવેસરથી બીડ માંગતો આ આદેશ જારી કર્યો હતો. હવે તેમની હાજરીમાં ૧પ નવેમ્‍બરે બીડ ખોલવામાં આવશે. સ્‍વામી કિર્તી કહે છે પ્રક્રિયામાં અચાનક થઇ રહેલી ઝડપ પાછળ પુર્વગ્રહ હોય તેવું લાગી રહયું છે. આ મુદ્દે ભારત અને ભારત બહારના અનુયાયીઓએ તાકીદે એક થવાની જરૂર છે. જો આમ કરીશુ તો ઓશોની આપણને મળેલી અમુલ્‍ય ભેટોને ભાવી પેઢી માટે અવિભાજીત અને સંપુર્ણ રીતે સાચવી શકીશું. ઓશો સન્‍યાસીઓએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી વેચાણને સંપુર્ણપણે રદ કરવા માંગણી કરી છે.

(4:20 pm IST)