Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ગોવામાં પાર્ટી કરવાના પ્‍લાન કરતા પહેલા ચેતજો! ૫૦ હજારનો થશે દંડ : કડક થઇ ગયા નીયમો

ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

પણજી તા. ૧ : ગોવામાં પાર્ટીનું આયોજન કરનારાઓ માટે મહત્‍વના સમાચાર છે. રાજયના પ્રવાસન વિભાગે ખુલ્લામાં ખોરાક રાંધવા અને દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્‍યો છે. એટલું જ નહીં, નિયમો તોડવા પર ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું પણ કહેવામાં આવ્‍યું છે. અધિકારીઓનું કહેવું છે કે ગોવાની પ્રવાસન ક્ષમતાને બગડતી બચાવવા માટે આ આદેશ જારી કરવામાં આવ્‍યો છે.

જારી કરાયેલા એક આદેશમાં, ગોવાના પ્રવાસન વિભાગે માલવણ (મહારાષ્ટ્ર) અને કારવાર (કર્ણાટક) જેવા રાજયની બહારના વિસ્‍તારોમાં વોટર સ્‍પોર્ટ્‍સ માટે અનધિકૃત ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્‍યો છે. નિર્દેશક નિખિલ દેસાઈ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં ‘ખુલ્લી જગ્‍યાએ ખોરાક રાંધવો, કચરો ફેલાવવો, ખુલ્લામાં દારૂ પીવો, બોટલો તોડવી વગેરે'નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરતી અને વસ્‍તુઓ ખરીદવા માટે દબાણ કરતી આવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. અધિકૃત સ્‍થળો સિવાય અન્‍ય સ્‍થળોએ પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.

નિયમોનું પાલન ન કરવા પર ૫૦૦૦ રૂપિયાનો દંડ લાગશે. જેને વધારીને ૫૦ હજાર રૂપિયા કરી શકાય છે. તેમજ આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. ખાસ વાત એ છે કે વર્ષ ૨૦૧૯માં પણ ગોવા ટૂરિસ્‍ટ પ્‍લેસ (સંરક્ષણ અને જાળવણી)માં સુધારાને ગોવા વિધાનસભામાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પર્યટન સ્‍થળો પર દારૂ પીવા, ખુલ્લામાં ખોરાક રાંધવા કે બોટલો તોડવા પર પ્રતિબંધ હતો. આ ઉપરાંત, ઝુંપડીઓ જેવા અન્‍ય સ્‍થળોએ પ્રવાસીઓને ખાવા-પીવા માટે પ્રોત્‍સાહિત કરવાના હતા.

(3:58 pm IST)