Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

‘ભારતના સ્‍ટીલ મેન' જમશેદ ઈરાનીનું અવસાન

જમશેદપુર, તા.૧: ટાટા સ્‍ટીલ કંપનીના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્‍ટર અને ‘ભારતના સ્‍ટીલ મેન' તરીકે પ્રખ્‍યાત થયેલા જમશેદ જે. ઈરાનીનું અત્રેની ટાટા મેન હોસ્‍પિટલમાં ગઈ કાલે મોડી રાતે અવસાન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. એમના પરિવારમાં એમના પત્‍ની ડેઝી અને ત્રણ સંતાન છે. ટાટા સ્‍ટીલ કંપનીએ ટ્‍વીટ કરીને જણાવ્‍યું છે કે, ‘સ્‍ટીલ મેન ઓફ ઈન્‍ડિયા' તરીકે પ્રખ્‍યાત પદ્મભૂષણ ડો. જમશેદ જે. ઈરાનીના નિધનથી અમને ઘેરું દુઃખ થયું છે. એમના પરિવાર તથા સ્‍વજનો પ્રતિ ટાટા સ્‍ટીલ પરિવાર ઘેરો શોક પ્રગટ કરે છે.'

ઈરાની ૨૦૧૧ના જૂનમાં ટાટા સ્‍ટીલના બોર્ડ પરથી નિવળત્ત થયા હતા. એમણે ચાર દાયકા સુધીની એમની સેવા દરમિયાન સમગ્ર ભારતીય ઉદ્યોગક્ષેત્રને, સ્‍ટીલ બિઝનેસને અને ટાટા ગ્રુપને સશક્‍ત બનાવવામાં ઘણું યોગદાન આપ્‍યું છે. એમણે ૧૯૬૩માં બ્રિટિશ આયર્ન એન્‍ડ સ્‍ટીલ રિસર્ચ એસોસિએશન ખાતે સિનિયર સાયન્‍ટિફિક ઓફિસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૬૮માં તેઓ ભારત પાછા ફર્યા હતા અને ટાટા સ્‍ટીલમાં આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર (રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ) તરીકે જોડાયા હતા. ૧૯૮૫માં તેઓ જનરલ મેનેજર અને પ્રેસિડન્‍ટ બન્‍યા હતા. ૧૯૯૨માં તેઓ મેનેજિંગ ડાયરેક્‍ટર બન્‍યા હતા, જે પદ તેમણે ૨૦૦૧ના જુલાઈ સુધી સંભાળ્‍યું હતું.

(3:58 pm IST)