Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ક્રૂડ ઓઇલની કિંમતોમાંᅠઘટાડો થતા....

યુપી,બિહારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો : દિલ્‍હી સહિતના ચાર મહાનગરોમાં ભાવ સ્‍થિર

નવી દિલ્‍હી તા. ૧ : વૈશ્વિક બજારમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેની અસર સ્‍થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો પર પણ જોવા મળી રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજેᅠનવી રેટ લિસ્‍ટ બહાર પાડી હતી, જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા શહેરોમાં તેલના ભાવ નીચા જોવા મળ્‍યા હતા. જોકે, દિલ્‍હી-મુંબઈ સહિત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવો અનુસાર, ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં (નોઈડા-ગ્રેટર નોઈડા) પેટ્રોલ ૩૫ પૈસા સસ્‍તું થઈ ગયું છે. તેની નવી કિંમતો ૯૬.૬૫ રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલની કિંમતમાં ૩૨ પૈસાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે અને તેની નવી કિંમત ૮૯.૮૨ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક પૈસાનો મામૂલી ઘટાડો થયો છે. અહીં પેટ્રોલ હવે ૯૬.૫૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. બીજી તરફ બિહારની રાજધાની પટનામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અહીં પેટ્રોલ ૮૨ પૈસા ઘટીને ૧૦૭.૩૦ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૭૭ પૈસા ઘટીને ૯૪.૦૯ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કાચા તેલની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્‍યો છે. બ્રેન્‍ટ ક્રૂડ ૧.૪૦ ડોલર ઘટીને ૯૪.૮૩ ડોલર પ્રતિ બેરલ થયું છે. તે જ સમયે, WTI પણ $૨.૨૨ ઘટીને $૮૬.૦૧ પ્રતિ બેરલ થઈ ગયો છે.

 

(11:50 am IST)