Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

બપોરે નરેન્‍દ્રભાઇ ‘પુલ' પિડીતોની વચ્‍ચે : સ્‍થિતિનો તાગ મેળવશે

દુર્ઘટના સ્‍થળની મુલાકાત, સિવિલ હોસ્‍પિટલ ખાતે દર્દીઓની ખબર-અંતર પૂછશે : અધિકારીઓ સાથે સમીક્ષા કરશે : ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, બ્રિજેશ મેરજા સહિતના ઉપસ્‍થિત રહેશે

પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબીમાં પુલ દુર્ઘટના બાદ આજે બપોરના ૩ વાગ્‍યા પછી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી મોરબી આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે બપોરે ૩ થી ૫ વાગ્‍યાની વચ્‍ચે પ્રથમ જૂલતાપુલની દુર્ઘટના ઘટી તે સ્‍થળની મુલાકાત લેશે, ત્‍યાર બાદ મોરબી સિવિલ હોસ્‍પિટલ ખાતે અને ત્‍યારબાદ કલેકટર કચેરીએ અધિકારીઓને મળી સમગ્ર દુર્ઘટનાની માહિતી મેળવવાનુ જાણવા મળ્‍યુ છે.
મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તા.૩૦ ઓક્‍ટોબરની ગોઝારી સાંજે તૂટી પડતા અત્‍યાર સુધીમાં ૧૩૨થી વધુ લોકોના અકાળે મૃત્‍યુ નિપજયા છે અને હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હોય આ કરૂણ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી બાદ મોરબી આવી રહ્યા હોવાનું મુખ્‍યમંત્રી કાર્યાલય દ્વારા સતાવાર રીયે જાહેર કરાયુ છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી મોરબી આવી રહ્યા હોય જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરાવવામાં આવી છે જે અન્‍વયે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્‍ડ ખાતે હાલમાં હેલિપેડ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.
ᅠમોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં સતાવાર રીતે ૧૩૪ લોકોના મોત નિપજયા હોય રાજયભરમાં શોક વ્‍યાપી ગયો છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા બુધવારે રાજયવ્‍યાપી શોક જાહેર કરવામાં આવ્‍યો છે.
મોરબીમાં ઝૂલતા પુલ તૂટતા જે મોટી દુર્ઘટના સર્જાઈ છે. તેને લઈને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ ૨ નવેમ્‍બરે ગુજરાતમાં રાજયવ્‍યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્‍યો છે.
૨ નવેમ્‍બરે રાજયમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્‍વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્‍કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. તેમ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.

 

(3:24 pm IST)