Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

કોમર્શિયલ ગેસ સિલેન્‍ડરનાં ભાવમાં રૂ.૧૧૫નો ઘટાડો

કાળઝાળ મોંઘવારીમાં રાહતના સમાચારઃ ઘરેલુ રાંધણગેસના ભાવ યથાવત : સતત પાંચમાં મહિને ભાવ ઘટાડો જાહેરઃ દિલ્‍હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ બાટલાનો ભાવ રૂા.૧૭૪૪

નવી દિલ્‍હી, તા.૧: સરકારી તેલ કંપનીઓએ આજે સવારે LPG સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ૧ નવેમ્‍બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં રૂ. ૧૧૫નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્‍હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ૬ જુલાઈ, ૨૦૨૨થી ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્‍ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ૧ નવેમ્‍બરથી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર ૧૧૫.૫૦ રૂપિયા સસ્‍તું થયું છે. નવી કિંમત ૧૯ કિગ્રા વજનવાળા સિલિન્‍ડર પર લાગુ થશે, જયારે ૧૪.૨ કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમત સ્‍થિર છે.

સરકારી ઓઈલ કંપનીઓ જુલાઈથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે અને આ સતત પાંચમો મહિનો છે જયારે તેના દરમાં ઘટાડો થયો છે. તાજેતરના ઘટાડા બાદ રાજધાની દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત ઘટીને ૧,૭૪૪ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર મુંબઈમાં ૧,૬૯૬ રૂપિયા, કોલકાતામાં ૧,૮૪૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૮૯૩ રૂપિયા પર પહોંચી ગયો છે.

અગાઉ, સરકારી ઓઇલ કંપનીઓએ જુલાઇમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના દરમાં રૂ. ૮.૫૦, ઓગસ્‍ટમાં રૂ. ૩૬, સપ્‍ટેમ્‍બરમાં રૂ.૯૧.૫૦ અને ઓક્‍ટોબરમાં રૂ.૨૫.૫૦નો ઘટાડો કર્યો હતો. આ રીતે, છેલ્લા પાંચ મહિનાની આ સૌથી મોટો ઘટાડો પણ છે. ઓઈલ કંપનીઓએ છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૨૫૭ રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. તેનાથી રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

એક તરફ, સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચ મહિનાથી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરવાનું ચાલુ રાખ્‍યું છે, જયારે ઘરેલુ ગેસ સિલિન્‍ડરના ભાવ જુલાઈથી સ્‍થિર છે. દિલ્‍હીમાં હાલમાં ૧૪.૨ કિલોનું એલપીજી સિલિન્‍ડર ૧,૦૫૩ રૂપિયામાં ઉપલબ્‍ધ છે, જયારે મુંબઈમાં તેની કિંમત ૧,૦૫૨.૫૦ રૂપિયા છે. ચેન્નાઈમાં પણ એલપીજી સિલિન્‍ડરની કિંમત ૧,૦૬૮.૫૦ રૂપિયામાં વેચાઈ રહી છે અને કોલકાતામાં સૌથી વધુ ૧,૭૯૦ રૂપિયા છે.

(11:44 am IST)