Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઈન્‍સ્‍ટાગ્રામ ફરી થયુ ડાઉનઃ ઘણા યુઝર્સને આવ્‍યા ‘એકાઉન્‍ટ સસ્‍પેન્‍ડ'ના મેસેજ

‘અમે તમારૂ એકાઉન્‍ટ ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૨ના રોજ સસ્‍પેન્‍ડ કરી રહ્યા છીએ' આ મેસેજ પછી ઘણા યુઝર્સે ટ્‍વિટર પર પોતાનો પ્રતિભાવ આપ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૧: સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામના ઘણા યુઝર્સ  ઘણી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા યુઝર્સ ને ‘એકાઉન્‍ટ સસ્‍પેન્‍ડ'નો મેસેજ આવી રહ્યો છે. જાતે ઈન્‍સ્‍ટાગ્રામે ટ્‍વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. યૂઝર્સને ઈન્‍સ્‍ટાગ્રામ પરથી એપ પર એક મેસેજ જોવા મળી રહ્યો છે, જેમાં લખ્‍યું છે, ‘અમે તમારું એકાઉન્‍ટ ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૨ના રોજ સસ્‍પેન્‍ડ કરી રહ્યા છીએ.' આ મેસેજ પછી ઘણા યુઝર્સે ટ્‍વિટર પર પોતાનો પ્રતિભાવ આપ્‍યો છે. ટ્‍વીટર પર ઘણા યુઝર્સ આ અંગેના મેસેજ અને મીમ્‍સ શેર કરી રહ્યા છે.

ઈન્‍સ્‍ટાગ્રામે પરેશાન યુઝર્સ માટે ટ્‍વિટર પર લખ્‍યુ છે કે, અમે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાકને તમારા ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટનો ઉપયોગ કરવામાં મુશ્‍કેલી આવી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. અમે તમારી મુશ્‍કેલી માટે દિલગીર છીએ. આ મેસેજમાં Instagram એ યુઝર્સની માફી માંગી અને કહ્યું કે તેઓ તેને ઠીક કરવામાં વ્‍યસ્‍ત છે.

સોમવાર સવારથી ઘણા યુઝર્સને તેમની એપ્‍લિકેશન પર સૂચના મળી કે તેઓ તેમનું એકાઉન્‍ટ સસ્‍પેન્‍ડ કરી રહ્યા છે. રિપોર્ટ્‍સમાં મોટાભાગના iPhone યુઝર્સ આ સમસ્‍યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે તાજેતરના અપડેટથી એપ્‍લિકેશન ખરાબ થઈ રહી છે. સવારથી જ એપ ચલાવવામાં ઘણી સમસ્‍યા આવી રહી છે. લોકોના એકાઉન્‍ટમાંથી ફોલોવર્સ પણ ઓછા થઈ રહ્યા છે.

(10:27 am IST)