Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો પહોંચ્‍યો સુપ્રિમ કોર્ટમાં : ૧૪મીએ સુનાવણી

જાહેર હીતની અરજી દાખલ : ઘટનાની સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્‍વમાં SIT તપાસની માંગ

નવી દિલ્‍હી તા. ૧ : બે દિવસથી આખું ગુજરાત રાત્રે સરખી રીતે સૂઈ નથી શકતું, મચ્‍છુના કાંઠે એ મરણચીસો... બાળકો-વૃદ્ધોના રૂદન અને હોસ્‍પિટલમાં અફરાતફરીના દ્રશ્‍યો વારંવાર લોકોને યાદ આવી રહ્યા છે. હજુ પણ નદીમાં મૃતદેહ શોધવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે ત્‍યારે સમગ્ર મામલે તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેનો સ્‍વીકાર સુપ્રીમ કોર્ટ દ્વારા કરી લેવામાં આવ્‍યો છે.ᅠ મોરબીમાં થયેલ દુર્ઘટનામાં તપાસ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે ૧૪મી નવેમ્‍બરેની તારીખ આપી છે.ᅠ
અરજીમાં માંગ કરવામાં આવી છે SITની રચના કરીને નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે અને આ SITનું નેતૃત્‍વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય. આટલું જ નહીં અરજીમાં માંગ કરવામાં આવી છે આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્‍મારક હોય ત્‍યાં ભીડ મેનેજ કરવા માટે કાયદા બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ અરજી કરવામાં આવી છે.ᅠ
ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્‍માતની તપાસનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અહીં એક જાહેર હિતની અરજી દાખલ કરી. અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્‍યાયાધીશના નેતૃત્‍વમાં SITની રચના કરીને આ ઘટનાની તપાસની માંગ કરી હતી. અત્રે એ નોંધનીય છે કે આ દુર્ઘટનામાં ૧૩૪ લોકોના જીવ ગયા છે.
વિશાલ તિવારીએ પોતાની અરજીમાં માંગણી કરી છે કે ભવિષ્‍યમાં આવી ઘટનાઓને રોકવા માટે દેશભરના તમામ જૂના પુલ અથવા ઐતિહાસિક ધરોહર પર ભીડ એકત્ર કરવા માટેના નિયમો બનાવવામાં આવે.
મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગણી સાથે વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી જાહેર હિતની અરજી (PIL)માં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્‍યાયાધીશની દેખરેખ હેઠળ ન્‍યાયિક કમિશનની નિમણૂક કરવા માટે નિર્દેશો માંગવામાં આવ્‍યા.

 

(3:23 pm IST)