Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

દારૂ પીવાનો શોખીન છે આ વાંદરોઃ મિનિટોમાં ગટગટાવી જાય છે આખી બોટલ

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક અનોખી કિસ્‍સો સામે આવ્‍યો : અહીં એક વાંદરો લોકો પાસેથી દારૂની બોટલ છીનવી લે છે અને તેમને જોઈને સીલ તોડીને આખી બોટલ પી જાય છે

રાયબરેલી, તા.૧: વૃંદાવન સહિત અન્‍ય ધાર્મિક સ્‍થળો પર વાંદરાઓના ત્રાસના સમાચાર તમે ઘણા સાંભળ્‍યા હશે. પરંતુ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક વાંદરો લોકો પાસેથી દારૂની બોટલ છીનવી લે છે અને તેમને જોઈને સીલ તોડીને આખી બોટલ પી જાય છે. આ વાંદરો સામાન્‍ય રીતે દારૂની દુકાનની બહાર ઝાડ પર બેસે છે અને દારૂ લેનાર પાસેથી બોટલ છીનવી લે છે. તેના કારણે લોકોએ આ દુકાન પર આવવાનું ઓછું કરી દીધું છે. તેમજ દારૂ વિક્રેતાઓએ તેની ફરિયાદ અધિકારીઓને કરી છે.

દુકાનદારોના જણાવ્‍યા મુજબ, લોકો ઘણા મહિનાઓથી આ વાંદરાની હરકતોથી પરેશાન છે. આ અંગે અનેક વખત આબકારી વિભાગના અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ દરેક વખતે અધિકારીઓ લાકડી લઈને ભાગી જાઓ તેમ કહીને વાત ટાળી દેતા હતા.પરંતુ હવે આ જ મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આબકારી વિભાગે કાર્યવાહીમાં ઝંપલાવ્‍યું.સમસ્‍યાના ઉકેલ માટે અધિકારીઓને મળવા અપીલ કરી. આ મામલો રાયબરેલી જિલ્લાના ગૌરા વિકાસ બ્‍લોકના અચલગંજનો છે.

દારૂના વિક્રેતાઓ અનુસાર, દારૂના નશામાં ધૂત વાંદરો સામાન્‍ય રીતે દારૂની દુકાનમાંથી બોટલ લઈને પાછા ફરતા લોકો પર હુમલો કરે છે. આ વાંદરો લોકો પાસેથી દારૂની બોટલ છીનવી લે છે. જો કોઈ વિરોધ કરે તો તેને બટકું ભરી લે છે. આમ તો આ આ વાંદરાના આક્રમક વલણને જોઈને લોકો જાતે જ બોટલ છોડી દે છે. આ અંગે લોકોએ દુકાનદારોને ફરિયાદ કરતાં દુકાનદારોએ આબકારી વિભાગ અને આબકારી વિભાગે વન વિભાગને ફરિયાદ કરી હતી. મોડલ શોપમાં લોકો આવતા નથી

દારૂ વિક્રેતાએ જણાવ્‍યું કે આ વાંદરાના આતંકને કારણે હવે લોકો દુકાનમાં આવતા પણ ડરે છે. ઘણા દિવસોથી કોઈ દુકાનમાંથી દારૂ કે બિયર ખરીદતું નથી. ભૂલથી પણ કોઈ આવી જાય તો વાંદરાઓ તેમની પાસેથી બોટલ છીનવી લે છે. જેના કારણે મોડલ શોપ સંચાલકને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જણાવ્‍યું કે તાજેતરની પરિસ્‍થિતિમાં દુકાનનું વેચાણ ઘણું ઘટી ગયું છે.

મળતી માહિતી મુજબ, આ વાંદરો દારૂની બોટલ છીનવીને ઢાંકણું તોડીને દારૂ પીતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર, આ વાંદરો શોખથી દારૂની ચુસ્‍કીઓ પીવે છે. તે જ સમયે, જયારે લોકો તેને ભગાડવાનો પ્રયાસ કરે છે, ત્‍યારે તે લોકો પર હુમલો કરે છે. જયારે પરેશાન દુકાનદારોએ આ અંગે વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી તો તેઓએ તેમને ભાગી જવાનું કહીને ટાળી દીધા.

(10:24 am IST)