Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

હવે પ્રતિબંધ વગર કરી શકાશે મુસાફરીઃ ભારતીયો માટે સારા સમાચાર

ઓસ્ટ્રેલિયાએ ભારત બાયોટેકની કોવેકિસનને મંજુરી આપી

નવી દિલ્હી, તા.૧: ઓસ્ટ્રેલિયા સરકારે કોરોના વાયરસ માટે બે રસીઓને મંજૂરી આપી છે. તેમાં ભારતની સ્વદેશી રસી, ભારત બાયોટેક કોવેકિસનનો પણ સમાવેશ થાય છે. જેને હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે. સરકારે પ્રવાસીઓના રસીકરણની સ્થિતિમાં રસીને માન્યતા આપી છે. એટલે કે હવે ભારતીય પ્રવાસીઓ કોઈ પણ પ્રતિબંધ વિના ઓસ્ટ્રેલિયા જઈ શકશે. આ માહિતી ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓલૃફેરેલે આપી છે. ઓસ્ટ્રેલિયાએ એવા સમયે આ રસીને માન્યતા આપી છે જયારે તેને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

ઓસ્ટ્રેલિયન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશનએ ભારતની કોવેકિસન અને ચીનની સિનોફાર્મ કંપનીની રસીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિર્ણય બાદ એ માનવામાં આવશે કે જે લોકોએ રસી લગાવી છે, તેમનું રસીકરણ પૂર્ણ થયું છે. ઓસ્ટ્રેલિયાએ ૧૨ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ કરવાની મંજૂરી આપી છે. વિભાગનું કહેવું છે કે ટીજીએ તાજેતરમાં રસી સંબંધિત વધારાની માહિતી મેળવી છે.  કોવિડ રસી મેળવનાર ૧૮ થી ૬૦ વર્ષની વય જૂથના લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.

અગાઉ ૧ ઓકટોબરના રોજ, TGA એ સલાહ આપી હતી કે કોરોવેક અને કોવિશીલ્ડ રસીને પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 'માન્યતા પ્રાપ્ત રસી'તરીકે ગણવામાં આવે. એટલે કે, જે લોકોએ આ બંને રસી લીધી છે, તેમનું રસીકરણ પૂર્ણ છે. હાલમાં સરકારી એજન્સીની માન્ય રસીઓની યાદીમાં Pfizer, AstraZeneca, Covishield, Spikevax, Jansson અને CoronaVac ના નામ સામેલ છે.

WHO એ રસી અંગે તાજેતરમાં એક બેઠક કરી હતી પરંતુ તેમ છતાં તેને મંજૂરી આપી ન હતી. આ મીટિંગ ઈમરજન્સી યુઝ લિસ્ટમાં (EUL) રસીના સમાવેશને લઈને થઈ હતી. એજન્સીએ કહ્યું કે તેણે લાભ-જોખમનું મૂલ્યાંકન કરવા માટે ભારત બાયોટેક પાસેથી વધારાની સ્પષ્ટતા માંગી છે. આ મળ્યા બાદ તેઓ ૩ નવેમ્બરે બેઠક કરશે. તેમાં અંતિમ મૂલ્યાંકન પછી, રસીને મંજૂરી આપી શકાય છે.

(4:55 pm IST)