Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આરોપ-પ્રતિ આરોપ :મંત્રી નવાબ મલિકના દુબઇ,ડ્રગ્સ અને દાઉદ કનેક્શન હોઈ શકે

સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ લગાવ્યા ગંભીર આરોપ: કહ્યું - જો મારું નામ જ્ઞાનદેવને બદલે દાઉદ હોવાનું સાબિત થશે તો હું પાકિસ્તાન જઈને રહેવા લાગીશ

મુંબઈ :આર્યન ખાન ડ્રગ કેસમાં એનસીપીના પ્રવક્તા નવાબ મલિક અને એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પરિવાર વચ્ચે જોરદાર આરોપ અને વળતા આરોપ શરૂ થયા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સમીર જન્મથી મુસ્લિમ છે. પરંતુ તેમણે અનુસુચિત જાતીના (SC) નકલી પ્રમાણપત્ર સાથે અનામતનો લાભ લીધો અને આઈઆરએસ (IRS)ની નોકરી મેળવી.

આ આરોપોના જવાબમાં સમીર વાનખેડેના પિતાએ મીડિયાની સામે તેની જાતિ, શાળા, કોલેજ, નોકરી સંબંધિત ડોક્યુમેન્ટ બતાવ્યા અને દાવો કર્યો કે તેમણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા છે, પરંતુ ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી. તેમણે કહ્યું કે જો એ સાબિત થઈ જાય કે તે ‘જ્ઞાનદેવ’ને બદલે ‘દાઉદ’ છે તો તેઓ ભારતને બદલે પાકિસ્તાનમાં રહેવાનું સ્વીકારી લેશે. આ પછી તેમણે નવાબ મલિક પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા.

જ્ઞાનદેવ વાનખેડેએ આરોપ લગાવ્યો કે નવાબ મલિકનો ભંગારનો ધંધો હતો. એક ભંગારવાળો કરોડોનો માલિક કેવી રીતે બન્યો ? એક ભંગારવાળો નવાબ કેવી રીતે હોઈ શકે? મલિક ક્યારે મુંબઈ આવ્યા? તેમનો જન્મ ક્યાં થયો હતો? તેમનું ગામ કયું છે? તેમના જમાઈ સમીર ખાનને સમીર વાનખેડેએ ડ્રગ્સ કેસમાં પકડ્યો હતો, તેથી જ તેઓ સમીરની પાછળ પડ્યા છે.

જ્ઞાનદેવ વાનખેડેએ વધુમાં જણાવ્યું હતું કે નવાબ મલિકે મંત્રીપદ સંભાળતી વખતે બંધારણના શપથ લઈને કહ્યું હશે કે હું જાતિ અને ધર્મના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કરીશ નહીં અને આરોપ લગાવીશ નહીં. પરંતુ તેઓ આના જ આધારે અમારા પરિવારને બદનામ કરી રહ્યા છે.

જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિકને પડકાર ફેંક્યો અને કહ્યું કે જો એ સાબિત થઈ જશે કે જ્ઞાનદેવને બદલે તેમનું નામ દાઉદ છે તો તેઓ ભારત છોડીને પાકિસ્તાનમાં રહેવાનું સ્વીકારી લેશે. તેમણે કહ્યું કે નવાબ મલિકે તેમની પુત્રી અને જમાઈ પર ધ્યાન આપવું જોઈએ. તેમને સારા સંસ્કાર આપો. તેમને જે કહેવું હોય તે કોર્ટમાં જઈને કહેવું જોઈએ.

ડ્રગ્સ કેસમાં મલિકનો હાથ હોઈ શકે છે. તેમની પુત્રી અને જમાઈ ડ્રગીસ્ટ છે. નવાબ મલિક દુબઈ ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ હોઈ શકે છે. તેમનું દુબઈ, ડ્રગ્સ અને દાઉદ કનેક્શન હોઈ શકે છે. તેમનો જમાઈ સમીર ખાન ડ્રગ્સના કેસમાં જ પકડાયો હતો. બાંદ્રાનું ઘર કેવી રીતે બન્યું? આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ. આવા અનેક આરોપો સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક પર લગાવ્યા હતા.

(10:09 pm IST)