Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સનસનાટી માટે મારૃં નામ ન ઘસડો : ફરોખ એન્જિનિયર પર વીફરી અનુષ્કા

વર્લ્ડ કપ દરમ્યાન સિલેકશન કમિટી અનુષ્કા શર્માને ચા પિવડાવવામાં વ્યસ્ત હતી તેવુ નિવેદન આપ્યુ હતું :વિરાટની પત્નિએ તીખા તમતમતા પ્રહારો કરતા કહ્યું કે મારા અને મારા પતિ કે બોર્ડ વિશે કહેવુ હોય એ સચ્ચાઈના આધારે કહેજો, મેં મારૂ કરિયર મહેનતથી બનાવ્યુ છે, હું સ્વતંત્ર અને પોતાની મહેનતથી આગળ આવેલી મહિલા છું

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ફરોખ એન્જિનિયરે તાજેતરમાં એમ.એસ.કે. પ્રસાદના નેતૃત્વમાં કામ કરતી સિલેકશન કમિટી પર તીખા પ્રહાર કર્યા હતા અને તેને મિકી માઉસ સિલેકશન કમિટી કહી હતી. આ ઉપરાંત વર્લ્ડ કપ દરમ્યાન સિલેકશન કમિટી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પિવડાવવામાં વ્યસ્ત હતી એવું નિવેદન આપ્યું હતું જેના બાદ મિસિસ કોહલીએ પોતાની ચુપ્પી તોડી વળતો પ્રહાર કર્યો હતો.

ભારતીય ટીમ માટે ૪૬ ટેસ્ટ અને પાંચ વન-ડે રમી ચૂકેલા ફરોખે સિલેકશન કમિટીની લાયકાત પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે આ સિલેકટર્સ કેવી રીતે કવોલિફાય થયા છે? શું તેમણે દસ કે બાર ટેસ્ટ મેચ રમી છે? વર્લ્ડ કપ સમયે એક સિલેકટરને તો હું ઓળખતો પણ ન હતો. ખરું કહું તો આપણને મિકી માઉસ સિલેકશન કમિટી મળી છે. તેઓ માત્ર અનુષ્કા શર્માને ચાના કપ લાવીને આપવામાં વ્યસ્ત હતા.

આ સમગ્ર વિવાદમાં પોતાનું નામ આવતાં અનુષ્કા ભડકી ઊઠી હતી અને ફરોખ પર વળતો પ્રહાર કરતાં તેણે કહ્યું હતું કે હું આજે બોલવા માગું છું, કારણ કે કોઈના મૌનને તેની કમજોરી તરીકે ન આંકવું જોઈએ. હવે બીજી વખત મારું નામ લઈને મારા કે મારા પતિ કે બોર્ડ વિશે કંઈ કહેવું હોય તો એ તથ્યોના આધારે કહેજો અને મને એનાથી દૂર જ રાખજો. મેં મારું કરીઅર મહેનતથી બનાવ્યું છે અને હું એના વિશે કોઈ પણ ભોગે સમાધાન કરવાની નથી. આ કોઈ માટે કદાચ માનવું અઘરું હશે, પરંતુ હું સ્વતંત્ર અને પોતાની મહેનતથી આગળ આવેલી મહિલા છું જે માત્ર એક ક્રિકેટરની પત્ની છે અને હા, તમારા રેકોર્ડ માટે કહી દઉં કે હું કોફી પીઉં છું.

(3:42 pm IST)