Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂધ્ધ મહાભિયોગ ચાલશેઃ સંસદની પ્રસ્તાવને મંજૂરી

વોશિંગ્ટનઃ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝે ગઈકાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ માટે કાર્યવાહી આગળ વધારવા એક દખાસ્તને મંજૂરી આપી હતી. આ પક્ષમાં ૨૩૨ મત પડ્યા હતા, જયારે વિરોધમાં ૧૯૬ મત પડ્યા હતા. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટીક પાર્ટી બહુમતિ ધરાવે છે. તેના નેતૃત્વમાં મહાભિયોગ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેને પોતાના વિરોધી જો બિડેન અને તેના દિકરા સામે યુક્રેનની ગેસ કંપનીમાં ભ્રષ્ટચારના કેસની તપાસ માટે યુક્રેન પર દબાણ કર્યું હતું.

પ્રસ્તાવમાં સાર્વજનિક તપાસ કરવા અને તેનું નતૃત્વ કોંગ્રેસની ગોપનિય બાબતોની સમિતિના વડા એડમ સ્કીફને આપવાની વાત કરવમાં આવી છે. સમિતિના પ્રેસિડેન્ટ મેકગવર્ને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા શકિતનો દુરુપયોગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ચૂંટણી પ્રક્રિયાની ગોપનિયતા સાથે બાંધછોડ કરવાને લગતા પૂરતા પૂરાવા છે. સદનની ૪ સમિતિઓએ સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે તપાસમાં પૂરાવા-નિવેદન એકત્રિત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં અમેરિકી જનતા સાક્ષીઓને સાંભળશે. આ પૂરાવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિએ શકિતનો દુરૂપયોગ વર્ષ ૨૦૨૦ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કર્યો છે.

ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે ૨૦ રિપબ્લિકન સાંસદોએ તેમના જ રાષ્ટ્રપતિના વિરોધમાં મતદાન કરવું જરૂરી હોય છે. જોકે આ સંભાવના ઓછી જોવા મળે છે. અત્યાર સુધીના રાજકીય ઈતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગ મારફતે હટાવવામાં આવ્યા નથી.

અમેરિકાના ૧૭માં રાષ્ટ્રપતિ એન્ડ્રુયુ જોન્સન અને ૪૨માં રાષ્ટ્રપતિ બિલ કિલંટન સામે મહાભિયોગ પ્રક્રિયા ચાલી હતી, પણ બન્ને બચી ગયા હતા.

પ્રતિનિધિ સભાની છ સમિતિ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મહાભિયોગ કેસની તપાસ કરશે, સૌથી મજબૂત કેસને ન્યાયિક સમિતિ સમક્ષ મોકલવામાં આવશે. તેમા અયોગ્ય કાર્યને લગતા કોઈ સબૂત નહીં મળે તો ટ્રમ્પ સુરક્ષિત, સબૂત મળ્યા તો પ્રતિનિધિ સભા મહાભિયોગની વિવિધ ધારા લાગુ કરવા માટે વોટિંગ કરાવવામાં આવશે.

આ મતદાનમાં બહુમતિથી ઓછા મત પડે છે તો ટ્રમ્પને કોઈ જ ખતરો નથી, જો બહુમતિથી વધારે મતના સંજોગોમાં મહાભિયોગનો કેસ આગળ ચલાવવામાં આવશે. ત્યારબાદ કેસ સેનેટ પાસે જશે, સેનેટ વિવિધ ધારાઓમાં સુનવણી કરશે. ટ્રાયલમાં સેનેટ ટ્રમ્પને દોષી ઠરાવવા માટે વોટિંગ કરાવશે. જો કે એવી શકયતા ઓછી છે, કારણ કે રિપબ્લિકન પાર્ટીને બહુમતિ છે.

આ વોટિંગમાં બે તૃતીયાંશ કરતાં ઓછા મત પડે તો ટ્રમ્પ હોદ્દા પર જળવાઈ રહેશે. વધારે મત પડશે તો ટ્રમ્પને ખુરશી છોડવી પડશે.

(3:29 pm IST)