Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઉત્તર પ્રદેશ હજુ પણ ૧૯મી સદીમાં

દલિત મહિલાઓને માતાના મંદિરમાં ન પ્રવેશવા દેવાઇઃ મહિલાઓએ ઘટનાનો વીડીયો વાયરલ કરતા હોબાળો

બુલંદ શહેર તા. ૧ : દુનિયા ર૧ સદીમાં પહોંચી ગઇ છે. પણ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં છૂતાછૂતની ઘટનાઓ હજુ પણ બહાર આવે છે તાજી ઘટના જહાંગીરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રખેડા ગામની છે ત્યાં રપ ઓકટોબરે પૂજા કરવા આવેલી દલિત મહીલાઓને દબંગ લોકોએ મંદિરમાં પ્રવેશતા રોકી દીધી હતી. તેમને ધનતેરસના પર્વ ઉપર માતાના મંદિરમાં પૂજા નહોતી કરવા દેવાઇ.

દલિત સમાજની મહીલાઓએ આ ઘટનાનો વીડીયો બનાવીને સોશ્યલ મીડીયા પર વાયરલ કરી દીધો હતો સાથેજ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ આપી છે બુધવારે ગામના દલિત સમાજના લોકોએ ભેગા થઇને સીઓને મળ્યા અને દોષિતો સામે કાર્યવાહીની માંગણી કરી હતી. આ બનાવમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વીડીયો રપ ઓકટોબર એટલે કે ધનતેરસનો જ છે. વીડીયોમાં ચોખ્ખુ દેખાય છે. કે મંદિરની બહાર ઉભેલા યુવકો દલિત મહિલાઓને મંદિરમાં નહોતા જવા દેતા તેમણે કહ્યું કે આ તેમની જમીન પર બનેલુ મંદિર છ.ે આ બાબતમાં યુવકોની મહિલાઓ સાથે બહુ રકઝક પણ થઇ બનાવ પછી દલિત સમાજના લોકોમાં રોષ ફેલાયો છે. તેમણે સીઓને કરેલી ફરીયાદમાં ગામના કેટલાક દબંગ લોકોના નામ સાથે મારપીટ કરવાનો જાતિ આધારીત શબ્દો બોલવાનો આરોપ મુકયો છે આ ઉપરાંત તેમણે આ દબંગ લોકોથી તેમને જીવનુ જોખમ હોવાનું પણ જણાવ્યું હતું.

આ બનાવ અંગે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ હરેન્દ્રસિંહે કહ્યું કે વીડીયો વાઇરલ થયાની માહિતી મળી છે. તેમાં દલિત પક્ષના લોકોને મંદિરમાં જતા રોકવામાં આવ્યા છે. આ ઘટના અંગે બુધવારે મોડીરાત્રે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ૯ પુરૂષ અને બે મહિલાઓ સહિત ૧૧ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. ગામવાસી મામચંદની ફરીયાદના આધારે આઇપીસી ૧૪૭, પ૦૬ અને એસીસી.એસ.ટી. એકટ હેઠળ કેસ કરી દેવાયું છે જો કે જાણવા મળી રહ્યું છે કે આ બાબતે સુલેહના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

(12:57 pm IST)