Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

દિલ્હીના એરપોર્ટ પરથી આરડીએક્સ ભરેલી લાવારિસ બેગ મળતા ખળભળાટ

એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર પીલર નંબર ચારના એન્ટ્રી ગેટ પાસે એક શંકાસ્પદ બેગ મળી

પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર આરડીએક્સ ભરેલી એક લાવારિસ બેગ મળતાં ખળભળાટ મચી ગયો હતો. જો કે તરત દિલ્હી પોલીસના બોમ્બ સ્ક્વોડે બેગ કબજે કરી લીધી હતી.

છેલ્લા થોડા દિવસથી ગુપ્તચર વિભાગ સતત એવી ચેતવણી ઉચ્ચારી રહ્યો હતો કે આતંકવાદીઓ હુમલો કરવાની વેતરણમાં છે એટલે આ વિસ્ફોટક ભરેલી બેગ મળતાં હો હા મચી ગઇ હતી. દિલ્હી પોલીસે જણાવ્યા મુજબ શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે એવો સંદેશો મળ્યો હતો કે એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર પીલર નંબર ચારના એન્ટ્રી ગેટ પાસે એક શંકાસ્પદ બેગ મળી છે. પોલીસ તરત ત્યાં ધસી ગઇ હતી અને બેગ કબજે કરી હતી. પોલીસના બોમ્બ સ્ક્વોડે તપાસ કરતાં એમાંથી વિસ્ફોટક પદાર્થ આરડીએક્સ મળી આવ્યો હતો.

આ પહેલાં એન્ટ્રી ગેટ પાસેના તમામ વાહનવ્યવહારને અટકાવી દેવામાં આવ્યા હતા. એ જ રીતે ટર્મિનલ ત્રણ પર જેટલા લોકો હાજર હતા એ તમામને બહાર નીકળવા પર પાબંદી લાદવામાં આવી હતી અને પોલીસે દરેક વ્યક્તિની તલાશી પણ લીધી હતી. સદ્ભાગ્યે બેગમાં રહેલો વિસ્ફોટક પોલીસે સમયસર કબજે કરી લેતાં કોઇ અનિચ્છનીય બનાવ ટાળી શકાયો હતો.

(12:47 pm IST)