Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

DHFLમાં ૧ લાખ લોકોની એફડી અટવાશે

કંપની સામે તપાસના આદેશ આપી શકે છે સરકાર

નવી દિલ્હી તા. ૧: સરકાર નાણાકીય ગેરરીતિઓ બાબતે સંકટમાં ફસાયેલી દિવાન હાઉસીંગ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ) સામે સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેટીંગ ઓફીસની તપાસના આદેશ આપી શકે છે. સુત્રોનું કહેવું છે કે આવું થશે તો ડીએચએફએલમાં એક લાખ લોકોની એફડી ફસાઇ શકે છે. કંપની રજીસ્ટ્રાર, મુંબઇની ઓફીસે ડીએચએફએલ અંગેનો રિપોર્ટ થોડા દિવસ પહેલા કોર્પોરેટ બાબતોના મંત્રાલયને સોંપ્યો છે.

સુત્રોએ કહ્યું કે ડીએચએફએલમાં ગેરરીતિઓનો કેસ એસએફઆઇઓને સોંપવાના ઘણા કારણો છે. રિપોર્ટમાં નાણાની ગેરરીતી અને તેને આઘા પાછા કરવાના સંકેત મળ્યા છ. અધિકારીએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં આ કેસને તપાસ માટે એસએફઆઇઓને મોકલી દેવાશે.

કેપીએમજીએ ગયા અઠવાડીયે જ પોતાનો ફોરેન્સીક ઓડીટ રીપોર્ટ સોંપ્યો છે જેમાં અત્યંત ચોંકાવનારી બાબતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ડીએચએફએલે રપ એવી કંપનીઓને ૧૪ હજાર કરોડની લોન આપી છે જેમનો નફો ફકત એક લાખ રૂપિયા હતો. રિપોર્ટ અનુસાર, ડીએચએફએલના પ્રમોટરોએ લગભગ ર૦ હજાર કરોડ રૂપિયાની બેંક લોન પોતાના યુનિટોમાં ટ્રાન્સફર કરી છે. સરકારે ડીએચએફએલને લોન આપનારી ત્રણ સરકારી બેંકોને કંપનીના ફંડની તપાસ કરવા કહ્યું હતું.

(11:31 am IST)