Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી 'થી દુનિયામાં ગુંજ્યું ભારતનું નામ:જાણો વિશ્વની ઊંચી 10 પ્રતિમા અને તેમની આગવી વિશેષતાઓ

ચીનની સ્પ્રિંગ ટેમ્પલ ઓફ બુદ્ધા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હતી :ઊંચાઈની દૃષ્ટિએ દુનિયાની 10 પ્રતિમાઓની છે આગવી વિશેષતા

 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કરવાની સાથે સરદાર પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. સરદાર પટેલની પ્રતિમા 182 મીટર ઊંચી છે અને તેની ઊંચાઈ અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બમણી છે. સાથે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગુંજ્યું છે સરદાર પટેલની પ્રતિમા ઉપરાંત વિશ્વના લગભગ તમામ દેશમાં આવી ઊંચી પ્રતિમાઓ બનાવવામાં આવી છે અને દરેકની એક આગવી વિશેષતા છે

 સ્ટેચ્યુ ઓફ યુનિટી,ગુજરાત, ભારત - ઊંચાઈ 182 મીટર

 સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતમાં ગુજરાતના કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર ડેમ ખાતે બનાવવામાં આવી છે. 182મીટરની ઊંચાઈ સાથે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. પ્રતિમા ગુજરાત અને ભારતના મોટા નેતા સરદાર વલ્લભભાઈ પટેલની છે. તેનું નિર્માણ લાર્સન એન્ડ ટુર્બો કંપનીએ કર્યું છે. તેની ડિઝાઈન રામ. વી. સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. 31 ઓક્ટોબર, 2018ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હતા. પ્રતિમાનું અંદરનું સ્ટ્રક્ચર લોખંડનું છે અને બહારનું આવરણ તાંબાથી બનાવવામાં આવ્યું છે. ભારતીય રૂ. 3000 કરોડના ખર્ચે તેનું નિર્માણ થયું છે.

 સ્પ્રિન્ગ ટેમ્પલ ઓફ બુદ્ધા, ચીન - 153 મીટર

 ચીનમાં બનેલી સ્પ્રિન્ગ ટેમ્પલ ઓફ બુદ્ધા વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતાં પહેલાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ચીનના લુશાન પ્રાન્ત, હેનનમાં આવેલી પ્રતિમા 128 મીટર ઊંચી છે. તે વાયરોકાના બુદ્ધની પ્રતિમા છે. પ્રતિમાના નિર્માણની શરૂઆત 1997માં થઈ હતી અને 2008માં તેનું નિર્માણકાર્ય પુરું થયું હતું. તેને 20 મીટર ઊંચા કમળના ફૂલની દાંડીના પાયા પર ઊભેલી છે. તેના નિર્માણમાં 1100 તાંબાનાં ટૂંકડાનો ઉપયોગ કરાયો છે.

લેક્યુન સેક્યાર, મયાંમાર - 116 મીટર

મયાંમારના મોનિવામાં આવેલી લેક્યુ સેક્યાર પ્રતિમા 116મીટર ઊંચી છે અને વિશ્વની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. તેનું નિર્માણકાર્ય 1996માં કરવામાં આવ્યું હતું અને 2008માં પુરું થયું હતું. પ્રતિમા 13.5મીટર પાયા પર ઊભેલી છે. પ્રતિમા ગૌતમ બુદ્ધની છે અને તેના અંદર કોઈ પણ પ્રકારની લિફ્ટ ફીટ કરાઈ નથી, જેથી કરીને લોકો તેના ઉપર જઈને શહેરનું વિહંગાવલોકન કરી શકે. જોકે, લેક્યુન સેક્યાર પ્રતિમાની આગળના ભાગમાં 89મીટર લાંબી આરામ કરી રહેલા બુદ્ધની પ્રતિમા પણ છે

ઉશિકુ દાયબુત્સુ, જાપાન - 110 મીટર

ઉશિકુ દાઉબુત્સુ એટલે કે 'ગ્રેટ બુદ્ધા ઈન ઉશિકુ' નામની પ્રતિમા જાપાનના ઉશિકુ શહેરમાં આવેલી છે. પ્રતિમા અમિતાભ બુદ્ધની છે. તેની ઊંચાઈ 110 મીટર છે. તે સંપૂર્ણ પણે તાંબાથી બનાવાયેલી છે. પ્રતિમામાં ચાર લેવલ બનાવાયેલા છે. મુલાકાતીઓ એલેવેટરમાં બેસીને પ્રતિમાની ટોચ સુધી જઈ શકે છે. બીજા લેવલમાં આધ્યાત્મિક અભ્યાસ માટેની લાયબ્રેરી છે. ત્રીજા લેવલમાં ભગવાન બુદ્ધની 30,000 જુદી-જુદી પ્રતિમાઓ આવેલી છે. પ્રતિમાના ટોચ પર પહોંચીને મુલાકાતીઓ તેની આજુબાજુમાં બનેલા સુંદર બગીચાને નિહાળી શકે છે. તેનું નિર્માણ 1993માં કરવામાં આવ્યું હતું.

ગુઆન યીન, સાઉથ સી ઓફ સાન્યા, ચીન - 108 મીટર

કરુણાની બૌદ્ધ દેવી એવા ગુયાન યીનની 108 મીટર ઊંચી પ્રતિમા ચીનના હૈનાન પ્રાંતમાં આવેલી છે. તે વિશ્વની પાંચમી સૌથી ઊંચી પ્રતિમા છે. પ્રતિમાના ત્રણ દિશામાં ચહેરા આવેલા છે અને તે વિશ્વને આશિર્વાદ આપી રહી છે. એક ચહેરો ધરતી તરફનો છે અને બાકીના બે ચહેરા સમુદ્ર તરફના છે. તેના નિર્માણમાં 6 વર્ષનો સમય લાગ્યો હતો અને 2005માં બનીને તૈયાર થઈ હતી

એમ્પેરર્સ યાન એન્ડ હુઆન્ગ, ચીન - 106 મીટર

ચીનના રાજા યાન અને હુઆંગને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશાળ ખડકમાં તેમની પ્રતિમા કોતરવામાં આવી છે. વિશાખ ખડકમાં બે મહાન રાજાઓની પ્રતિમાને કોતરવાનું કામ 1987માં શરૂ થયું હતું અને તેને પૂર્ણ થતાં 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. વર્ષ 2007માં તે બનીને તૈયાર થઈ ગઈ હતી. બંને રાજાઓના ચહેરાની પ્રતિમાની ઊંચાઈ 106 મીટર છે અને તે વિશ્વની છઠ્ઠી સૌથી ઊંચી પ્રતિમા છે. ચીનની સરકારે તેના નિર્માણ પાછળ 22.5 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. પ્રતિમાની આંકો 3 મીટર પહોળી છે અને નાકની લંબાઈ 6 મીટર છે.

સેન્ડાઈ દાઈકેનોન, જાપાન - 100 મીટર

સેન્ડાઈ દાઈકેનોન જાપાનના સેન્ડાઈ પ્રાન્તમાં આવેલી 100મીટર ઊંચી કેનોન ગુનયિનની પ્રતિમા છે. પ્રતિમા જાપાનના બૌદ્ધ ધર્મનું બૌધિસત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું નિર્માણ સેન્ડાઈ પર્વતની ટોચ પર કરવામાં આવ્યું છે અને અહીંથી અનેક શહેરોનો સુંદર નજારો જોઈ શકાય છે. તેનું નિર્માણ 1991માં કરવામાં આવ્યું હતું. તેના જમણા હાથમાં ઘરેણું છે અને તેના વડે તે લોકોને આશિર્વાદ આપે છે. ડાબા હાથમાં પાણીનો જગ છે. એલેવેટરમાં બેસીને મુલાકાતીઓ પ્રતિમાની ટોચ સુધી જઈ શકે છે અને ત્યાંથી શહેરનું સુંદર વિહંગાવલોકન કરી શકે છે. સેન્ડાઈ દાકેનોન વિશ્વની 7મા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા છે

પીટર ગ્રેટ સ્ટેચ્યુ, મોસ્કો, રશિયા - 98 મીટર

રશિયાના રાજા પીટર-1ની યાદમાં પ્રતિમાનું નિર્માણ કરાયું હતું, જેણે દેશ પર 43 વર્ષ સુધી રાજ કર્યું હતું. 98 મીટર ઊંચી પીટર ગ્રેટની પ્રતિમા વિશ્વની 8મા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા છે. રાજા પીટર ગ્રેટનો ચહેરો મોસ્કો શહેરમાંથી પસાર થતી મોસ્કો નદી તરફનો છે. પ્રતિમાની ડિઝાઈન જ્યોર્જિયન ડિઝાઈનર ઝુરાબ સેરેટેલીએ કરી હતી અને તેમાં 600 ટન લોખંડ અને તાંબાનો ઉપયોગ કરાયો છે. પીટર ગ્રેટ સ્ટેચ્યુનું કુલ વજન 100 ટન છે અને 1997માં તેને ખુલ્લી મુકવામાં આવી હતી.

ગ્રેટ બુદ્ધ ઓફ થાઈલેન્ડ, થાઈલેન્ડ - 92 મીટર

ગ્રેટ બુદ્ધ ઓફ થાઈલેન્ડ થાઈલેન્ડના આંગ થોંગ પ્રોવિન્સમાં આવેલી દેશની સૌથી ઊંચી અને વિશ્વની 9મા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા છે. તેનું નિર્માણકાર્ય 1990માં શરૂ કરવામાં આવ્યું હતું અને 18 વર્ષની મહેનત બાદ 2008માં તે બનીને તૈયાર થઈ હતી. સમગ્ર પ્રતિમા સિમેન્ટથી બનાવવામાં આવી છે અને તેના ઉપર ગોલ્ડન રંગ કરવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધની પ્રતિમાનું નિર્માણ થેરાવેદ બુદ્ધિઝમને આધારે કરાયું હતું.

ગ્રાન્ડ બુદ્ધ એટ લોગશાન, ચીન - 88 મીટર

 ચીનના લોગશાન પર્વત પર બનેલી ભગવાન બુદ્ધની પ્રતિમા 88મીટર ઊંચી છે અને વિશ્વની 10મા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા છે. પ્રતિમાની ઊંચાઈ 88મીટર છે અને તેને સંપૂર્ણપણે તાંબાથી બનાવવામાં આવેલી છે. પ્રતિમાનું વજન 700 ટન છે. પ્રતિમાની આજુબાજુમાં 74 એકર જેટલી વિશાળ જગ્યામાં મુલાકાતીઓ માટે આકર્ષણો બનાવવામાં આવ્યા છે અને તેની સાથે ભગવાન બુદ્ધની અનેક જાણીતી સાઈટ પણ આવેલી છે

 

(12:00 am IST)