Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

તમારા બોસને કહો કે મારે મારી દિકરીની સ્‍કૂલે જવાનું છેઃ કેન્‍દ્રીય મંત્રી કિરણ રિજિજૂને પુત્રીઅે સ્‍કૂલે આવવા મનાવી લીધા

નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી હોવાના કારણે કિરણ રિજિજૂનું શેડ્યુલ ખૂબ ટાઈટ હોય છે પરંતુ હાલમાં તે દીકરી સાથે સ્કૂલના એક કાર્યક્રમમાં જોવા મળ્યા. અહીં તેમણે ઘણો સમય વિતાવ્યો અને પુત્રી સાથે તસવીરો પણ ખેંચાવી. જો કે રિજિજૂના સ્કૂલ જવા કરતાં પણ રસપ્રદ છે કે તેમની દીકરીએ તેમને સ્કૂલે આવવા માટે કેવી રીતે મનાવ્યા તે જોવું. કિરણ રિજૂજએ દીકરીનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયોમાં રિજિજૂની દીકરી એકદમ ક્યૂટ લાગી રહી છે. તે પોતાના મંત્રી પિતાને સ્કૂલે આવવા માટે સમજાવી રહી છે. તે પિતાને કહે છે કે, તમે બોસને કહી દો કે મારે દીકરીની સ્કૂલે જવાનું છે અને તે તમને માફ કરી દેશે. રિજિજૂની દીકરી કહે છે કે, “પપ્પા, કાલે ગ્રાન્ડપેરેન્ટ્સ ડે છે. કાલે તમારે સ્કૂલે આવવું પડશે. મમ્મી હંમેશા આવે છે અને મારું પરફોર્મંસ જોવે છે. મમ્મીએ મારો ડાન્સ જોયો છેફિશ ડાન્સ પરંતુ તમે ક્યારેય મારી સ્કૂલે નથી આવ્યા. એવું કેવી રીતે શક્ય છે પપ્પા? મારા દાદા-દાદી દૂરના ગામથી દિલ્હી આવે છે.”

દીકરીની જીદના જવાબમાં રિજિજૂ કહે છે કે, “ઓલરાઈટ, હું આવવાનો પ્રયાસ કરીશ. આજકાલ હું બહુ વ્યસ્ત છું. શું કરીશું?” પિતાના સવાલ પર દીકરી તરત જવાબ આપે છે કે, “બોસ આના માટે ના નહીં પાડે. તમારી ઓફિસ છે પણ તમે તમારા બોસને કહો કે મારે મારી દીકરીની સ્કૂલે જવાનું છે તે તમને માફ કરી દેશે.”

કેંદ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વિટ કરેલા લોકોને અત્યાર સુધી 800થી વધુ લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે અને 5000થી વધુ લોકોએ લાઈક કર્યું છે.

(5:29 pm IST)