Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જાવેદ અખ્‍તરને કામ આપવાનું કેમ બંધ કર્યું ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીએ?

મુંબઇ તા.૧: જાવેદ અખ્‍તરે એક-એકથી ચડિયાતી ફિલ્‍મોની કથા લખી છે, ગીતો લખ્‍યાં છે અને આમ છતાં આ ઉદ્યોગના જ લોકોએ હાલમાં તેમને કામ આપવાનું બંધ કર્યુ છે. રોજબરોજના જીવનમાં વ્‍યસ્‍ત રહેતા જાવેદ અખ્‍તરને જયારે એ વિશે પુછવામાં  આવ્‍યું ત્‍યારે તેમણે કહયું હતું કે ‘ મેં રિટાયરમેન્‍ટ નથી લીધી. થોડા સમયથી ઇન્‍ડસ્‍ટ્રીઝએ મને કામ આપવાનું બંધ કર્યુ છે. મેં કોપીરાઇટ અમેન્‍ડમેન્‍ટ બિલ માટે લડત ચલાવી હતી. આ બીલ ફિલ્‍મ ઉદ્યોગમાં માત્ર ફિલ્‍મના પ્રોડયુસરને નહીં પણ લેખકો, ગીતકાર, ગાયકો અને સ્‍ક્રિપ્‍ટરાઇટરર્સને તેમનો કામનો સમાન અધિકર આપે છે. મને મ્‍યુઝિક ક્ષેત્રથી ટેકો મળ્‍યો હતો, પરંતુ પ્રસિદ્ધ એવા રાઇટર્સના લિસ્‍ટમાંથી મને દૂર કરવામાં આવ્‍યો હતો. અનેક ફિલ્‍મમેકર્સ પણ મારાથી અંતરા રાખવા લાગ્‍યા હતા અને મને કોઇ ફિલ્‍મ ઓફર નહોતું કરતું. જોકે છેલ્લા થોડા મહિનાઓમાં પરિસ્‍થિતિ બદલાઇ છે, કારણ કે પ્રોડયુસરો અને મ્‍યુઝિક કંપનીઓમાં સમાધાન થયું છે કે કાયદો બદલાયો છે, જેના આધારે કોઇને પણ નુકસાન થાય એમ નથી. કમ્‍પોઝરો અને ગીતકારોને હવેથી સારી રોયલ્‍ટી મળશે, જેના તેઓ ખરા હકદાર છે.' જાવેદ અખ્‍તરને પુછવામાં આવ્‍યું હતું કે ચાર દાયકાથી પણ વધુ સમય ઇન્‍ડસ્‍ટ્રીમાં વિતાવ્‍યા બાદ તમે તમારી કરીઅરને કઇ રીતે આંકો છો? એના જવાબમાં જાવેદ અખ્‍તરે કહયું હતું કે ‘મારા જીવનમાં મે ખૂબ ઉતારચડાવ જોયા છે. આ બન્ને મારા માટે ખાસ મહત્‍વ રાખે છે. આ મારા માટે સંતોષકારક જર્ની રહી છે. એક વાતનો પસ્‍તાવો છે કે જો મેં અનુશાસનનું પાલન કર્યુ હોત તો મેં હજી ઘણું જીવનમાં મેળવ્‍યું હોત. પરંતુ મેં કયારે હિંમત નથી હારી. હું મારી જાત સાથે જ સ્‍પર્ધા કરું છું હું જયારે મારી આસપાસના લોકોને જોઉં છું ત્‍યારે થોડું દુઃખ થાય છે, હું એમ નથી કહેતો કે એ લોકો સારા ગીતકાર નથી, મારા મતે ગીતોમાં હવે પહેલાં જેવી મીઠાશ નથી રહી. આંગળીના વેઢે ગણી શકાય એટલા ગીતકાર સિવાય અન્‍ય ગીતકારો કવિતાનો મર્મ સમજી નથી શકતા.'

(12:15 pm IST)