Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કુપોષિત બાળકો મામલે ગુજરાત ૮માં ક્રમે : ગર્ભવતીઓને નથી મળતો પોષણક્ષમ આહાર

ગુજરાતમાં સરેરાશ ૧૦.૧% બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મ છે અને ૪૧.૬% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે

નવી દિલ્હી તા. ૧ : માર્ચ ૨૦૧૬માં યુનેસેફે કરેલા સરવેમાં ગુજરાત રાજયને ચેતવણી આપવામાં આવી હતી. બાળકો પર થયેલા આ અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ ૧૦.૧% બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે અને ૪૧.૬% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે ૨૦૧૭માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૩૮.૫% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. જયારે ૩૯.૩ ટકા બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે.

તાજેતરમાં થયેલા ગ્લોબલ હેલ્થ રીપોર્ટ પ્રમાણે ભારતીય રાજયમાં બાળકોને ભરખી જતો રોગચાળો માથુ ઉચકતો જાય છે. આરોગ્યને લગતી સમસ્યાઓના પાસામાં ગુજરાતનો ક્રમ ટોપ ટેનમાં છે. આઠમા ક્રમે રહેલા ગુજરાતમાં સૌથી વધુ રોગનો ભોગ બાળકો બને છે. બીજી તરફ ગર્ભવતી મહિલાઓને પણ યોગ્ય પોષણક્ષમ આહાર મળતો નથી. કુલ વસતીના ૫૦૧૩ લોકો પોષણક્ષમ આહારથી ન મળતા પીડા સહન કરી રહ્યા છે.

વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ વચ્ચે રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલાઓ અને બાળકો પાછળ ફાળવવામાં આવતી રકમ પણ ઘટાડી દીધી છે. એક સમયે જે ૬૨.૧૩ કરોડ રૂપિયા આપવામાં ફાળવવામાં આવતા તે હવે માત્ર ૩૮.૫૧ કરોડ ફાળવવામાં આવે છે. તાજેતરમાં થયેલા આ રીપોર્ટ પ્રમાણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં આયનનો અભાવ જોવા મળ્યો હતો. બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજયની તુલનામાં ગુજરાતના બાળકોમાં આયનના અભાવનું પ્રમાણ વધારે હતું.

બીજી તરફ કુપોષણના કેસમાં વિસ્તારની વસતી દીઠ ૨૪૩ કેસ મળી આવ્યા હતા. જેમાં મોટા ભાગના બાળકોમાં પ્રોટિનની ઉણપ હતી. નવજાત શિશુના સર્વાંગી વિકાસ ન થવા પાછળ પોષણક્ષમ આહાર ન મળતો હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં લાખની વસ્તી સામે કુલ ૬૬૧ નવજાત શિશુ કોઇને કોઇ આરોગ્ય સંબંધી ઉણપથી પીડાઇ રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસમાં અભાવની તુલનમાં ગુજરાત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ કરતા આગળ છે. કુપોષિત ગ્રૂપમાં થતો વધારો ગુજરાત માટે ચિંતાજનક છે. બીજી તરફ ગર્ભાવસ્થા દરમિયાન માતામાં પ્રોટિનનો અભાવ હોવાને કારણે બાળકોમાં પ્રોટિનની ઉણપ રહે છે. તેથી બાળકનું વજન જન્મ સમયે ઓછું આવે છે.(૨૧.૬)

(10:09 am IST)