Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વડાપ્રધાને પ્રધાનોને આપ્યો આદેશ

લાઇનમાં ઉભા રહી જુઓ વેકિસનેશનમાં શું સમસ્યા આવે છે

નવી દિલ્હી તા. ૧ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં દેશમાં કોવિડની સ્થિતિ, સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી અને વેકિસનેશન મુદ્દે ચર્ચા થઈ છે. પ્રધાનમંત્રીએ મંત્રીઓને કહ્યું કે, તે વેકિસનેશનના કામમાં લાગે.

દેશમાં કોરોના વેકિસનેશનનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર વેકિસનેશન અભિયાનને લઈને મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા કરી છે. પ્રધાનમંત્રીએ મંત્રીઓને કહ્યું કે, તમે વેકિસનેશનના કામમાં લાગો. લાઇનમાં ઉભા રહીને જુઓ કે શું સમસ્યા આવી રહી છે. સાથે તેના પર સરકાર સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા પર મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે. આ મુદ્દે પણ પ્રધાનમંત્રીએ મંત્રીઓ સાથે ચર્ચા કરી છે.

બેઠકમાં વેકિસનેશનને લઈને એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. અત્યાર સુધી કેટલા લોકોને વેકિસન મળી છે અને આવનારા મહિનામાં કઈ રીતે લોકોને વેકિસન આપવામાં આવશે, તેની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. મંત્રી પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, તમે તમારા લોકસભા ક્ષેત્રમાં જાવ ત્યારે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સાથે-સાથે માસ્ક પણ લગાવજો. તમે તમારા ક્ષેત્રના લોકોને પણ માસ્ક પહેરવા માટે કહો. તે માની લેવાની જરૂર નથી કે કોરોના જતો રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આપણે બધાએ એ રીતે કામ કરવું જોઈએ કે કોરોનાની ત્રીજી લહેર ન આવે. પ્રધાનમંત્રીએ પોતાના મંત્રાલયોના કામને જનતા સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો વધુ સારો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. પીએમ મોદીએ મંત્રાલયોને કહ્યુ- પોતાના મંત્રાલય અને સરકારના કામોને લોકો સુધી લઈ જવા માટે જમીન પર ઉતરો. લોકોની વચ્ચે રહો. સરકારની યોજનાઓ અને કામ વિશે જનતાને જણાવો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ૭૫માં સ્વાતંત્રતા દિવસને કઈ રીતે યાદગાર બનાવવામાં આવે? તેને લઈને બધા સારા સૂચનો મોકલો. સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓને વધુમાં વધુ લોકોને ફાયદો મળે, તેના પર કામ કરો. પ્રધાનમંત્રીએ બધાને કહ્યું કે, જે યોજનાઓનો શિલાન્યાસ આપણે કરીએ, તેનું ઉદ્ઘાટન પણ આપણે કરીએ તે ધ્યાનમાં રાખી ઝડપી કામ કરો. મંત્રી પરિષદની બેઠકમાં રોડ પરિવહન, સિવિલ એવિએશન અને આઈટી મંત્રાલયો તરફથી અલગ-અલગ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

છેલ્લા એક મહિનામાં આ પ્રકારની ત્રીજી બેઠક છે. બેછકમાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, નીતિ આયોજના સભ્ય ડો. વીકે પોલ પણ હાજર રહ્યા હતા.

(10:33 am IST)