Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ATMમાંથી રૂપિયા ઉપાડવાથી લઈને TDS સુધી આજથી બદલાઈ ગયા નિયમો

સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાની સાથોસાથ વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો છે

નવી દિલ્હી,તા. ૧: દેશમાં આજથી બેંકિગના નિયમો બદલાયા છે.  સૌથી વધુ ગ્રાહકો ધરાવતી ભારતીય સ્ટેટ બેંકના નિયમો દ્યણા મહત્વના છે. કેમ કે SBI હવે મહિને ચારથી વધુ વખત કેશ ઉપાડવા પર ચાર્જ વસૂલ કરશે. આ ઉપરાંત વેપારીઓ માટે TDSના નિયમોમાં પણ ફેરફાર કરાશે. તો વાહનોના ભાવમાં પણ વધારો થશે.

એસબીઆઈ ૧૦ પાનાની વિનામૂલ્યે મળતી ચેકબુક પણ બંધ કરી છે. ચેકબુક માટે બેંક ૪૦ રૂપિયા અને જીએસટી વસૂલશે. તો સિંડિકેટ બેંકનું કેનેરા બેંકમાં વિલીનીકરણ કરાયું છે એટલે IFSC કોડ પણ પહેલી જુલાઈથી બદલાશે. આ જ રીતે કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકનું યુનિયન બેંકમાં વિલીનીકરણ થયું છે. ત્યારે હવે આ બેંકોની જૂની ચેકબુક નકામી થઈ જશે. તો IFSC કોડ પણ અપડેટ થશે.

તો આવક અધિનિયમમાં સેકશન ૧૯૪ કયુ જોડવામાં આવ્યો છે તેનું અમલીકરણ થશે. નવા સેકશન હેઠળ ૫૦ લાખથી વધુની વેપારી ખરીદી પર ૦.૧૦ ટકા ટીડીએસ કપાશે. જો ગયા વર્ષે કોઈ વેપારીનું ટર્નઓવર ૧૦ કરોડ કે તેનાથી વધુ રહ્યું તો આ વર્ષે તે માત્ર ૫૦ લાખથી વધુનો માલ ખરીદી શકશે. તો ૧ જુલાઈથી ૨૦૬ એબી સેકશન પણ અમલી થઈ જશે. જે અંતર્ગત જો વિક્રેતાએ બે વર્ષ સુધી રિટર્ન ફાઈલ નહીં કર્યો હોય તો ટીડીએસ ૫ ટકા થઈ જશે.

સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાની સાથોસાથ વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો છે તે પૈકી દરેકે દરેક દાગીના પર યુનિટ આઈડી નંબર લગાવવાનું આજથી ફરજીયાત થશે.

હવેથી દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર હશે. આ નંબર બીઆઈએસ કચેરી તરફથી જ ઉપલબ્ધ કરાવાશે. હોલમાર્ક સેન્ટરમાંથી દાગીનાને ઓનલાઈન રીપોર્ટ ભળતાની સાથે જ ખાસ સોફટવેર મારફત સીસ્ટમ જનરેટેડ નંબર હોલમાર્ક સેન્ટરને મળશે અને તે દાગીનામાં લગાવવાનો રહેશે.સીસ્ટમ જનરેટેડ પ્રક્રિયા જ હોવાથી નંબર મેળવવામાં તે પ્રક્રિયામાં વિલંબને અવકાશ નથી.

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. તેવામાં આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધદ્યટ થઈ શકે છે. આ પહેલા સરકારે ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૧૨૨ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

(10:22 am IST)