Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

આજથી RTGS-NEFT કરવાનુ ફ્રીઃ નાની બચતના વ્યાજદરમાં ઘટાડો

આજથી બેન્કીંગ ક્ષેત્રે નવા નિયમો અમલીઃ એસબીઆઈ હોમલોનને રેપોરેટ સાથે જોડશેઃ બેઝીક ખાતેદારને પણ મળશે ચેકબુક

નવી દિલ્હી, તા. ૧ :. આજથી બેન્કીંગના અનેક નિયમો બદલાઈ ગયા છે. ઓનલાઈન લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકોને આજથી રાહત મળી છે. આજથી કોઈપણ ચાર્જ ચુકવ્યા વગર આરટીજીએસ અને એનઈએફટી કરી શકાશે. રીઝર્વ બેન્કના આદેશ બાદ બેન્કોએ આજથી આ બાબતનો અમલ શરૂ કર્યો છે. એટલુ જ નહિ આરટીજીએસ થકી પૈસા મોકલવાનો સમય પણ દોઢ કલાક વધીને આજે ૬ સુધીનો થઈ ગયો છે.

દેશની મોટી બેન્ક એસબીઆઈ એનઈએફટી થકી થતી લેવડદેવડ માટે ૧ થી ૫ રૂપિયા વચ્ચે અને આરટીજીએસ થકી થનારા વ્યવહાર માટે ૫ થી ૫૦ રૂ. વસુલતી હતી. આજથી હવે આ વસુલાત બંધ થઈ છે. અલગ અલગ બેન્કો અલગ અલગ ચાર્જ વસુલતી હતી. આરટીજીએસ થકી ૨ લાખ રૂ. કે તેથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ વ્યવહારો થકી ૩૦ મીનીટની અંદર પૈસા જમા કરી શકાય છે. આરટીજીએસ થકી એકથી બીજા ખાતામાં તરત જ રકમ જમા થઈ જાય છે, જ્યારે એનઈએફટી થકી વધુમાં વધુ ૨ લાખ રૂ. તત્કાલ કોઈના ખાતામાં જમા કરી શકાય છે.  આજથી ૩ મહિના માટે એનએસસી, પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત નાની બચત યોજના પર વ્યાજદર ૦.૧ ટકા ઘટી ગયો છે.

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ આજથી પોતાની હોમલોનને રેપોરેટ સાથે જોડી દેશે. હવે રીઝર્વ બેન્ક જેટલીવાર રેપોરેટ બદલશે તેટલીવાર હોમલોન વ્યાજદર ઘટશે કે વધશે.

આજથી બેન્કોમાં બેઝીક એકાઉન્ટ રાખનાર ગ્રાહકને ચેકબુક અને અન્ય સુવિધાઓ મળશે. બેન્કો હવે આ સુવિધા માટે ખાતેદારને કોઈ ન્યુનત્તમ રકમ રાખવાનુ નહિ જણાવે.(૨-૪)

 

(11:45 am IST)