Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોરોનાએ બદલી નાખી ધંધાની દુનિયા

આફતને અવસર બનાવનારી કંપનીઓને જોરદાર નફો થયો

ટેકનોલોજી - રિટેલ - કન્ઝયુમર - ટેલીકોમ - ફાર્મા - FMCG - ઓનલાઇન રિટેલ કંપનીઓની કરોડોની કમાણી

નવી દિલ્હી તા. ૧ : કોરોનાએ દુનિયા બદલી નાખી છે, વેપાર ધંધાને પણ ભારે અસર થઇ છે. એવું નથી કે નાની અથવા મધ્યમ કંપનીઓ માટે જ આ સંકટનો સમય છે, પણ મોટી મોટી કંપનીઓ પણ તેના મારથી નથી બચી. ઉત્પાદનના ચક્ર ધીમા ચાલે છે અને નફો ઘટી ગયો છે. પણ આપદાને અવસર બનાવનારી કંપનીઓ પણ ઓછી નથી. કેટલીય કંપનીઓએ તો પોતાના જીવનકાળનો સૌથી વધારે નફો આ સમયમાં કમાયો છે અને તેના પ્રમોટરો માલામાલ થઇ ગયા છે. આ યાદીમાં સૌથી આગળ મોટી પાંચ કંપનીઓ છે, જે આ મુશ્કેલ સમયમાં અબજો ડોલર કમાઇ રહી છે. આ કંપનીઓ છે એપલ, ફેસબુક, ટ્વીટર, ગુગલ અને એમેઝોન. તેમણે આ સમય દરમિયાન કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આના ઉપરાંત માઇક્રોસોફટ અને નેટફલીક્ષ પણ જોરદાર કમાણી કરી રહી છે.

ખરેખર તો અત્યારે ટેકનોલોજી કંપનીઓને બખ્ખા છે અને તેમનો ધંધો તેજીમાં છે. લોકડાઉનના કારણે ઓનલાઇન સામાન વેચતી કંપની એમેઝોનની પણ ચાંદી થઇ ગઇ છે. અમેરિકામાં તેનો નફો ગયા વર્ષે જ લગભગ ૨૦૦ ટકા વધી ગયો હતો. ભારતમાં ટેકનોલોજી કંપનીઓ ઉપરાંત રીટેલ, કન્ઝયુમર, ટેલીકોમ, ફાર્માસ્યુટીકલ, એફએમસીજી, એડટેક અને ઓનલાઇન રીટેલ કંપનીઓને ભારે નફો મળ્યો. લોકડાઉનનો તેમને જબરો ફાયદો થયો અને તે માલામાલ થઇ ગઇ. લોકો ઘરોમાં બંધ હતા અને તેમનો સમય ટીવી અને મોબાઇલમાં પસાર થતો હતો. તેનાથી જીયો, એરટેલ વગેરેના ટોટલ બીઝનેસમાં વધારો થયો. ગામડામાં પણ લોકો આખો દિવસ મોબાઇલને ચીપકી રહ્યા. ટેલીકોમ કંપનીઓએ તેમને રીઝવવા કેટલાય પ્રકારની સ્કીમો બનાવી રાખી છે. ઇન્ટરનેટ પર આધારિત નેટફલીક્ષ, એમેઝોન પ્રાઇમ, ડીઝની હોટ સ્ટાર વગેરેના ધંધામાં પણ તેજી આવી.

પણ જે સેકટરમાં સૌથી વધુ ધંધો થયો તે છે ફાર્મા, તેની સાથે સંકળાયેલી કંપનીઓ માટે કોરોના એક વરદાન સાબિત થયો. આ કંપનીઓમાં સૌથી ઉપર છે સન ફાર્મા, જેનું ગયા વર્ષ દરમિયાન કુલ નફો ૩૨૦૦ કરોડનો થયો. ત્યાર પછી સીપ્લા, ડોકટર રેડ્ડીઝ લેબ વગેરે છે. તો વિશ્વની સૌથી મોટી રસી કંપની સીરમ આ વર્ષના અંત સુધીમાં ૪ અબજ ડોલર કમાઇ લેશે. લોકડાઉનના પહેલા પાંચ મહિનામાં જ તેના સંસ્થાપક પુનાવાલાની સંપત્તિ વધીને બમણી એટલે કે ૧૩.૮ અબજ ડોલર થઇ ગઇ હતી. ભારત બાયોટેકનો બીઝનેસ પણ ઝડપથી વધી રહ્યો છે અને તેની પાસે ઢગલાબંધ ઓર્ડરો છે. ભારતમાં ઓનલાઇન અભ્યાસ કરાવતી કંપનીઓ તો પહેલાથી જ આવી ગઇ હતી પણ કોરોના કાળમાં તેમણે પણ જોરદાર બીઝનેસ કર્યો.

કોરોના કાળમાં એફએમસીજી કંપનીઓ પણ સારો ધંધો કરી રહી છે. લોકડાઉનના કારણે તેમના ઉત્પાદનો આડેધડ વેચાઇ રહ્યા છે. સારા પાકના કારણે ગ્રામ્ય ભારતમાં તેમના ઉત્પાદનોની માંગ શહેરો કરતા વધારે વધી છે. તેનાથી કંપનીઓનો નફો વધ્યો છે, હેલ્થકેર અને હાઉસહોલ્ડ સામાન બનાવતી કંપનીઓ પણ આ સમયે સારો નફો કરી રહી છે. દિલચશ્પ વાત એ છે કે મોટાભાગનો સમય લોકડાઉન રહેવા છતાં ઓટો મોબાઇલ કંપનીઓનું પ્રદર્શન તે દરમિયાન સારૂ રહ્યું અને તેનું કારણ એ જણાવાઇ રહ્યું છે કે લોકો પાસે જાહેર પરિવહનનો વિકલ્પ ઓછો હતો અને તેઓ બીમારીથી બચવા માટે પોતાના વાહનોમાં યાત્રા કરવા ઇચ્છતા હતા.

(11:53 am IST)