Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

વાહ ભૈ વાહ...બે મહિનામાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

૨૪ કલાકમાં દેશમાં ૧૨૭૫૧૦ નવા કેસ નોંધાયાઃ ૨૭૯૫ લોકોના મોતઃ ૪૩ દિવસમાં પહેલીવાર સક્રિય કેસની સંખ્યા ૨૦ લાખથી નીચે : દેશમાં અત્યાર સુધીમાં ૨૫૯૪૭૬૨૯ લોકો સાજા થયાઃ ૨૪ કલાકમાં ૨૫૫૨૮૭ ડીસ્ચાર્જ થયાઃ રીકવરી રેટ હાલ ૯૨.૦૯ ટકા

નવી દિલ્હી, તા. ૧ :. કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં જોરદાર તાંડવ મચાવ્યુ અને હજારો લોકોના જીવ લીધા છે પરંતુ આ દરમિયાન ફરી એક વખત રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૧૨૭૫૧૦ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા બે મહિનામાં આ આંકડો પહેલીવાર આટલો નીચો ગયો છે. એટલે કે કોરોનાની રફતાર ફરી ધીમી પડવા લાગી છે. સક્રિય કેસની વાત કરીએ તો આ આંકડો ૧૮૯૫૫૨૦ છે. ૪૩ દિવસમાં પહેલીવાર સક્રિય કેસ ૨૦ લાખની નીચે નોંધાયા છે. ફકત ૨૪ કલાકમાં જ સક્રિય કેસમાં ૧૩૦૫૭૨નો ઘટાડો થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૯૫ લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મરનારની સંખ્યા ૩૩૧૮૯૫ની થઈ છે.

દેશમાં અત્યાર સુધી ૨૫૯૪૭૬૨૯ લોકો સાજા થયા છે. ગત ૨૪ કલાકમાં જ ૨૫૫૨૮૭ દર્દી સાજા થયા છે.

સતત ૧૯મા દિવસે દેખાયુ છે કે દૈનિક નવા કેસની સરખામણીમાં સાજા થનારની સંખ્યા સતત વધી છે. રીકવરી રેટ હાલ ૯૨.૦૯ ટકા છે જે સતત વધી રહ્યો છે.

દેશમાં અત્યાર સુધીમાં ૨૧.૬ કરોડથી વધુ લોકોને રસી અપાઈ છે. ગઈકાલે ૧૮થી ૪૪ વર્ષના ૧૨.૨૩ લાખ લોકોને રસી આપવામાં આવી હતી જ્યારે ૧૩૪૦૨ને બીજો ડોઝ અપાયો હતો.

(10:55 am IST)