Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોનાથી દુનિયાને મુકત કરવા ૧.૧૨ અબજ નવકાર મહામંત્રની સામુહિક જાપ આરાધના સંપન્ન

વૈશ્વિક સ્તરે નવકાર પરિવાર અને જૈન વિઝન દ્વારા ઓનલાઈન આયોજનમાં : ૯૯.૯૯ કરોડ મંત્ર જાપના બદલે ૧૧૨ કરોડથી વધુ મંત્રજાપનો વિશ્વ વિક્રમ સર્જાયો : માનવતાના આ મહાકાર્યમાં અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સુદાન, કેન્યા વગેરે દેશના ૧૫ લાખથી વધુ જૈન-જૈનેતરો જોડાયા

રાજકોટ,તા.૧: કોરોના મહામારીને નાથવામાં જયારે સાયન્સ અને મેડિકલ પણ હારી ગયું છે ત્યારે સમગ્ર વિશ્વ ધર્મ અને પરમાત્માના શરણે ગયું છે.કોરોનાથી માનવજાતિને મુકત કરવા વૈશ્વિક ફલક પર નવકાર ગ્રુપ અને જૈન વિઝન દ્વારા ૯૯,૯૯,૯૯,૯૯૯ મહામંત્રના જાપનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.પૂજય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને સમગ્ર ભારતના જૈન ધર્મના ચારેય ફિરકાના આચાર્ય ભગવંત,સાધુ-સાધ્વીજી તેમજ અન્ય સંપ્રદાયના સંતો,મહંતોના આશીર્વાદ અને પ્રેરણાથી યોજાયેલ નવકાર મંત્રની આ સામુહિક ઓન લાઇન આરાધનામાં ભારત સહિત અમેરિકા, કેનેડા, દુબઇ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સુદાન, કેન્યા વગેરે દેશના ૧૫લાખ વધુ લોકો જોડાયા હતા.

માનવતાના આ મહાકાર્યમાં સમગ્ર વિશ્વના લોકોએ ખૂબ જ શ્રદ્ઘા અને ભાવપૂર્વક જોડાયા હતા.સતત ચાર કલાક ચાલેલા આ મંત્ર જાપમાં આબાલવૃદ્ઘ દરેકે જોડાઈને જાણે કોરોનાને હરાવવા ૯૯,૯૯,૯૯,૯૯૯ મંત્ર જાપના બદલે ૧૧૨,૦૯,૫૩,૮૧૦ મંત્રજાપ કરી વિશ્વવિક્રમ બનાવ્યો હતો.

આરાધનાં નો પ્રારંભ રાષ્ટ્ર સંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજના મંગલાચરણથી થયો હતો. દર ૩૦ મિનિટે સાધુ ભગવંતના આશીર્વચન સાથે મંત્ર જાપ આગળ વધતા હતા.જેમાં પદ્મભૂષણ પૂજય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજા,  આચાર્ય રાજયશસુરીશ્વરજી મહારાજા, આચાર્ય કુલચંદ્રસુરીશ્વરજી મહારાજા, અચલગાચ્છધિપતિ ગુણોદયસુરીશ્વરજી મહારાજા,પૂજય નમ્રમુની મ.સા, પૂજય હંસરત્નસુરીશ્વરજી મ.સા દરેકે આશીર્વચન સાથે નવકારની મહત્તા સમજાવી હતી.આરાધનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના વિડિઓ બનાવીને પણ મોકલ્યા હતા જેનું પ્રસારણ જૈન વિઝન અને નવકાર ગ્રુપના પેજ પર થતું હતું.હજારો લોકોએ પોતે કારેલ મંત્ર જાપ માટે સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા. દરેક વ્યકિત પોત પોતાના ઘરે રહી મંત્રજાપ કરતા હતા છતાં જાણે નવકારની મહા પ્રભાવી ઉર્જાથી એકબીજા સાથે જોડાયેલ હતા.

 કોરોનાનાં નિરાશાજનક વાતાવરણમાં મંત્રની સકારાત્મક અને ચૈતનયમય ઉર્જાનો લોકોએ અનુભવ કર્યો.મંત્રજાપ સાથે. દરેકે કોરોનાની વિદાય માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી.માનવજાતિના રક્ષાર્થે યોજાયેલ આ મંત્રઆરાધનામાં આ મહોત્સવમાં જૈન ધર્મના ચારેય ફિરકાના ગચ્છાધિપતિઓ, આચાર્ય ભગવંતો,અન્ય સંપ્રદાયના સંત મહાત્માઓ અનેક ગચ્છ નાયકો અને ૧,૦૦૦થી પણ વધારે સાધુ સાધ્વીઓ જોડાયા હતા.

આ ઉપરાંત ચારેય ફિરકાના સંઘ પ્રમુખ, જૈન અગ્રણીઓ તેમજ ભાગવત કથાકર શ્રી રમેશભાઈ ઓઝા, સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજય શ્રી જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ, બિલ્ડર એશોસયનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, કરણીસેના મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી રિવાબા જાડેજા જે.પી જાડેજા, રાજસિંહ સેખવત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી  સહીતના રાજકીય અગ્રણીઓ,મુસ્લિમ સમાજના અગ્રણીઓ વગેરે જોડાયા હતા.

સમગ્ર વિશ્વના જૈન જૈનેતરો એ ૧ અબજ થી વધુ જાપ કરી એક અભુતપુર્વ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ નવકાર ગ્રુપ તેમજ ટીમ જૈન વીઝનની ટીમ જહેમત ઉઠાવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ની ''રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ'', જૈનોના ચારે ફીરકા ના સાધુ સંતો, ભારતભર ના સંતો મહંતો સહીત ના અસંખ્ય લોકો ની અપીલ રંગ લાવી એક અનોખો વિશ્વ રેકર્ડ પ્રસ્થાપિત થયો.

મંત્રજાપ આરાધનામાં વિશ્વના ખૂણે ખૂણેથી લોકો જોડાતા જતા હતા.નવકાર મંત્રની ગણતરી માટે મુંબઇ અને અમદાવાદ એમ બે સ્થળે ટેકિનકલ ટિમ કાર્યરત હતી.જેમાં ફેસબુકમાં જોડાઈને ૧,૦૬,૩૦,૨૫,૨૦૮,ઇન્સ્ટાગ્રામ પર ૬૫,૬૧,૩૨૪,યુ ટ્યુબ પર ૫,૧૩,૬૭,૨૮૪ જાપ થયા હતા આ ઉપરાંત ટીવી ચેનલના માધ્યમથી પણ હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન ગ્રુપના મિલન કોઠારી,ભરત દોશી, ટીમના સર્વ સભ્યો નવકાર ગ્રુપના ધર્મેશ શાહ,રાજુ સાવલા, જાગૃતિબેન શાહે જહેમત ઉઠાવી હતી.જૈન વિઝનના મિલન કોઠારીએ એક યાદીમાં જણાવ્યું હતું કે જે લોકોને ઓન લાઇન સર્ટિફિકેટ ન મળ્યા હોય તેઓ ૭૦૪૩૬૪૪૪૪૪નંબર પર સંપર્ક કરી શકે છે.

(3:52 pm IST)