Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

'સીએએ' વિરોધી રમખાણો પાછળ મહિલાઓનું 'પિંજરાતોડ' ગ્રુપ

નવી દિલ્હી તા. ૧ : દિલ્હી પોલિસના સ્પેશ્યલ સેલે જાફરાબાદમાં થયેલા રમખાણોના કેસમાં પિંજરાતોડની સભ્ય નતાશાને યુએપીએ કાયદા હેઠળ પકડી છે. સ્પેશ્યલ સેલ નતાશાની પૂછપરછ કરી રહી છે. સૂત્રો અનુસાર, પૂછપરછમાં જાણવા મળ્યું છે કે નતાશાને જાફરાબાદમાં તોફાનોનું ષડયંત્ર રચવાની જવાબદારી સોંપાઇ હતી.

સીએએ વિરોધી પ્રદર્શનો માટે મહિલાઓને ઉકસાવવા અને ઠેર ઠેર સુનિયોજીત રીતે આવા પ્રદર્શનો શરૂ કરવામાં પિંજરાતોડ ગ્રુપની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. નતાશા અને દેવાંગના પીએફઆઇના ઘણા લોકો સહિત તોફાનોમાં સંકળાયેલા લોકો સાથે કેટલીય વાર મીટીંગો થઇ હતી. જેમાં નતાશા અને દેવાંગના સહિત પિંજરાતોડ ગ્રુપના અન્ય લોકોને લોકોની ભાવનાઓ ઉશ્કેરવા અને વાતાવરણને ગરમ કરવાનું કહેવાયું હતું.

પિંજરાતોડ ગ્રુપની નતાશા અને દેવાંગના સહિતના અન્ય સભ્યોને જાફરાબાદ તોફાનોનું ષડયંત્ર રચવાની જવાબદારી સોંપાઇ હતી. આ જ રીતે બીજી પિંજરાતોડ છોકરીઓને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં આવી જ જવાબદારી આપવામાં આવી હતી. તેમનું કામ જે તે વિસ્તારની મહિલાઓને ઉશ્કેરવા ઉપરાંત તેમનામાં પોલિસ સામેનો ડર ઉભો કરીને વિશ્વાસ ઘટાડવાનું હતું જેના માટે અફવાઓ ફેલાવાઇ અને તેના લીધે જ પોલિસ કર્મચારીઓ પર તોફાનોમાં હુમલાઓ કરાયા હતા. પૂછપરછમાં એક મહત્વપૂર્ણ વાત બહાર આવી છે કે પિંજરાતોડ ગ્રુપમાં ફકત છોકરીઓ જ નહીં છોકરાઓ પણ સામેલ છે. જેમની ભૂમિકા દિલ્હી દંગા અને આખા ષડયંત્રમાં હતી.

(2:54 pm IST)