Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

આકરી જોગવાઇઓ સાથે દૂબઇમાં મસ્જિદો ખોલી નખાશે

માસ્ક-ગ્લોવ્ઝ ફરજીયાતઃ ૨૦ મીનીટમાં કાર્યવાહી આટોપી લેવાનીઃ દરવાજા ખૂલ્લા રાખવાનાઃ વૃધ્ધો-બાળકોને મનાઇઃ મહિલાઓના હોલ બંધ રહેશેઃ નમાઝીઓની બે લાઇન વચ્ચે એક ખાલી રહેશે : ૫ ફુટનું અંતર રાખવું ફરજીયાતઃ બેસવાની ચાદર સાથે લાવવાની : બાથરૂમ બંધઃ ખોરાક વિતરણ પર પ્રતિબંધ : એક બીજાને ભેટી નહિ શકાયઃ નમાઝ પછી તુરત વિખેરાઇ જવાનું: માસ્ક-ગ્લોવ્ઝ ઉતારી શકાશે નહિ

દુબઇ (યુએઇ):  ભારતમાં ૮ જુને મંદિરો-મસ્જીદો-ચર્ચો સહિત ધર્મસ્થાનો ખુલી જશે. દરમિયાન દુબઇના અખબારોના અહેવાલો પ્રમાણે યુએઇમાં મસ્જીદો ખોલી નાખવા માટે તૈયારીઓ પુરજોશમાં ચાલુ છે અને તુરતમાં મસ્જીદો ખોલી નખાશે. તેમ સમાન હાઝીક નોંધે છે.

મળતા નિર્દેશ મુજબ મસ્જીદોમાં ૬૦ વર્ષ ઉપરના વૃધ્ધો અને ૧૨ વર્ષના નીચેના બાળકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે.

મહિલાઓ માટે નમાઝ પઢવાના હોલ પણ બંધ રહેશે.

બે શ્રધ્ધાળુઓ વચ્ચે ૧ાા મીટર (લગભગ પાંચ ફુટ) નું અંતર જાળવવુ પડશે.

માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા ફરજીયાત બનશે.

નમાઝ માટે બેસવાની ચાદર પોતાની સાથે લાવવાની રહેશે.

એકબીજાને ભેટી નહિ શકાય, દુરથી જ અભિવાદન કરવાનું રહેશે.

બાથરૂમ સહિતના વિસ્તારો બંધ રહેશે. તેમ પણ સત્તાવાળાઓ જણાવે છે.

નમાઝ અદા કરતી વેળાએ નમાઝીઓએ બે હાર વચ્ચે એક હાર ખાલી રાખવી ફરજીયાત રહેશે. ગંભીર રોગો વાળા મુસ્લીમ શ્રધ્ધાળુઓને તેમની પોતાની સલામતી માટે અને આરોગ્ય જાળવણી માટે મસ્જીદમાં પ્રવેશ નહિ અપાય.

સમાજમાં કોરોના મહામારી ફેલાય નહિ તે માટે ભોજન વિતરણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

નમાઝ પહેલા અને પછી એકત્ર થવાની સખત મનાઇ રહેશે.

જેવી નમાઝ પુરી થાય કે તુરત જ એજ ક્ષણે મસ્જીદમાંથી ચાલ્યા જવાનું રહેશે.

જે લોકો કોરોનાના દર્દીઓના સંપર્કમાં હોય તેમને નમાઝ પઢવા આવવા દેવાશે નહિ.

નમાજ માટે મસ્જીદ ૨૦ મીનીટ જ ખુલ્લી રહેશે. અઝાનના સમયથી માંડીને નમાજ પુરી થાય (જે લગભગ ૨૦ મીનીટ હોય છે.) ત્યાં સુધી જ મસ્જીદ ખુલી રહેશે.

અઝાન પછી તુરત જ નમાઝ અદા કરી લેવાની રહેશે.

પ્રત્યેક નમાઝ પછી મસ્જીદ બંધ રાખવાની રહેશે.

મસ્જીદના દરવાજે માસ્ક કે હેન્ડ ગ્લોવ્ઝ ઉતારીને રાખી શકાશે નહિ.

ખોરાક કે બીજી કોઇપણ ચીજ-વસ્તુુનું વિતરણ કરવા દેવામાં આવશે નહિ,સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે.

અઝાનના પ્રારંભથી નમાજ અદા થઇ જાય ત્યાં સુધી (લગભગ ૨૦ મીનીટ) મસ્જીદના દરવાજા ખુલ્લા રાખવાના રહેશે.

બીજી નોટીસ જાહેર ન થાય ત્યાં સુધી મહિલાઓ માટે નમાઝ પઢવાનો હોલ બંધ રહેશે.

બાથરૂમ અને વજુ કરવા માટેની વ્યવસ્થા પણ અન્ય નોટીસ જાહેર થાય ત્યાં સુધી બંધ રહેશે. આટલી સજજડ વ્યવસ્થા વચ્ચે દુબઇમાં નમાઝ અદા કરવા માટે મસ્જીદો ટુંક સમયમાં ખુલ્લી મુકાશે તેમ યુએઇના અખબારો  નોંધે છે.

યુનાઇટેડ આરબ અમીરાત-દુબઇમાં કોરોનાના ૩૪ હજાર આસપાસ કોરોના પોઝીટીવ કેસો છે. દરરોજ ૬૦૦-૭૦૦ નવા કેસો નોંધાય છે. ૧૭ હજાર સાજા થયા, ૨૬૦ ઉપર મોત છે. યુએઇમાં સ્કુલો બંધ છે. અને  વિદેશી ટ્રાવેર્લ્સના પ્રવેશ પર પ્રતિબંધ છે. જયારે દુકાનો-રેસ્ટોરન્ટ-પબ્લીક ટ્રાન્સપોર્ટ ખોલી નખાયા છે. હવે મસ્જીદો સહિત ધાર્મીક સ્થળો ખોલવામાં આવી રહયા છે.

(2:54 pm IST)