Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

લોકડાઉનમાં લોક થયો બંદરોનો ૮૦૦ અબજ ડોલરનો વેપાર૪૦ હજારથી વધુ ડ્રાઇવરો અને ટેકનીશ્યનોની અછત

અમદાવાદ તા. ૧ : લોકડાઉનના કારણે દેશના બંદરો પરથી લગભગ ૮૦૦ અબજ ડોલરની આયાત નિકાસ લગભગ ૭૦ દિવસથી બંધ છે. પ્રશિક્ષિત ડ્રાઇવરો અને મજૂરોની અછતથી મોટાભાગના દરિયાકાંઠાના ઉદ્યોગોને ખરાબ અસર થઇ છે. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સતિના અન્ય રાજ્યોના બંદરો પર લગભગ ૪૦ હજારથી વધારે ડ્રાઇવરો, ટેકનીશ્યનો અને મજૂરોની જરૂર છે. આના લીધે આયાત નિકાસનો ધંધો ભારે મુશ્કેલી વેઠી રહ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે ડ્રાઇવરો, ટેકનીશ્યનો અને મજૂરોને પાછા બોલાવવાની માંગણી થઇ રહી છે. જો આવું નહીં થાય તો બંદરોના આયાત નિકાસના ધંધાને માઠી અસર થશે અને દેશની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઇ શકે છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રશિક્ષિત ડ્રાઇવરોની અછતથી વિભિન્ન ઉદ્યોગોનો માલ કંડલા અને મુંદ્રા બંદર સુધી માલ મોકલવા અને લઇ જવામાં મોટી મુશ્કેલીઓ થઇ રહી છે. લોકડાઉન પહેલા જ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત ખરાબ હતી અને હવે લોકડાઉનના લીધે ડ્રાઇવરો પોતપોતાના વતન પાછા ફરવાથી આ ઉદ્યોગ થંભી ગયો છે. કચ્છમાં જ આ ઉદ્યોગને ૧૫ હજારથી વધુ ડ્રાઇવરોની જરૂર છે. જેમાં લગભગ ૬ હજાર ડ્રાઇવરો ટ્રેલર અને ૮ હજાર ડ્રાઇવરો ટેન્કર, ટ્રક અને ડમ્પર માટે જોઇએ છે. ૭૫ ટકાથી વધારે ડ્રાઇવરો પંજાબ, રાજસ્થાન, યુપી અને બિહારના છે જે લોકડાઉનમાં પોતપોતાના વતનમાં જતા રહ્યા છે.

લોજીસ્ટીક ઉદ્યોગ થંભી ગયો છે જેના લીધે મોટી ફેકટરીઓ, ઉદ્યોગોનો કાચો માલ અને ઉત્પાદનો પહોંચાડવામાં મુશ્કેલી થઇ રહી છે. તેના કારણે ખાદ્યતેલ, ફાર્મા ઉદ્યોગ સહિતના અન્ય ઉદ્યોગોને માલ પહોંચાડવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.

(2:10 pm IST)