Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ટ્રમ્પે ઝેર ફેલાવવાનું ભૂંડુ કામ કર્યું છે

અમેરિકાના શહેરોમાં પ્રસરેલા રમખાણો માટે રાષ્ટ્રપતિને જવાબદાર ઠેરવતા ન્યૂયોર્કના મેયર

વોશિંગ્ટન તા. ૧ : ન્યૂયોર્ક શહેરના મેયર બિલડે બ્લાસિયોએ શહેરમાં રમખાણો માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પે લોકોમાં ઝેર ફેલાવવાનું કામ કર્યું જેના કારણે લોકોમાં રોષ વધુ ભડકયો છે.

અમેરિકાના ઘણા શહેરોમાં એક અશ્વેત નાગરિકના મોતના વિરોધમાં તોફાનો ફેલાયેલા છે. એક અમેરિકન પોલિસ અધિકારી સામે ૪૬ વર્ષના અશ્વેત નાગરિક જોર્જ ફલોયડની હત્યા કરવાનો આરોપ લાગેલો છે. મેનિયાપોલિસના પોલિસ અધિકારીએ અશ્વેત નાગરિકને પકડતી વખતે તેના ગળા પર પગ રાખી દીધો જેના કારણે તેનું મોત થયું હતું. ત્યાર પછી અમેરિકન શહેરોમાં રંગભેદ બાબતે રમખાણો ફાટી નીકળ્યા હતા.

વિરોધ પ્રદર્શનવાળી ઘણી જગ્યાઓએ અમેરિકાની એનવાયપીડીની ગાડીઓ લોકોની ભીડ પર ચડાવી દેવાઇ. આવા બનાવો ઘણી જગ્યાઓએ બન્યા પછી લોકોનો ગુસ્સો વધુ ભડકયો હતો. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એનવાયપીડીનું સમર્થન કર્યું હતું. શનિવારે સીટી હોલમાં યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂયોર્ક મેયરે કહ્યું કે, આ એક કટુ સત્ય છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ આવું વાતાવરણ બનાવવામાં મદદ કરી છે અને તે સૌથી દુઃખદ બાબત છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પના શાસનકાળમાં નફરત અને લોકોમાં તણાવ અને ભેદભાવ વધ્યો છે.

ટ્રમ્પે શનિવારે મેયર બ્લાસિયોની ટીકા કરતા કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શન કરનારા લોકોને રોકવા માટે મેં પોલિસને હુકમ નહોતા કર્યા. તેમણે ટવીટમાં ધમકી આપતા કહ્યું હતું કે જો વિરોધ પ્રદર્શન કરનારાઓ લૂંટફાટ કરે તો તેમને ગોળી મારવામાં આવશે. તેમણે ટવીટમાં લખ્યું હતું કે, જ્યાં લુંટ થશે ત્યાં શૂટ થશે.

(2:53 pm IST)