Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

મદદની હાકલને સારો પ્રતિસાદ : મુંબઈની સરકારી હોસ્પિટલમાં આયુર્વેદિક સહીત 700થી વધુ ડોકટરો સ્વેચ્છાએ સેવામાં જોડાયા

હોસ્પિટલોમાં 4,000 ડાક્ટર્સ દિવસરાત કાર્યરત:કેરાલાથી 25 ડોકટરો આવ્યા : વધુ 50 તબીબો આવશે

મુંબઈ: પાલિકાએ તેના કોવિડ સેન્ટર્સમાં મદદ માટે કરેલી હાકલને પ્રતિસાદ આપી આયુર્વેદિક ડાક્ટર્સ સહિત 700થી વધુ ડાક્ટર્સ (મેડિકલ પ્રેક્ટિશનર્સ) ગત એપ્રિલ મહિનાથી કોન્ટ્રાક્ટ આધારે પાલિકા સાથે જોડાયા છે. પાલિકા પાસે 3,000 ડાક્ટર્સનું લિસ્ટ છે જેમણે સામેથી કોવિડ-19માં સરકારને મદદ કરવાની ઈચ્છા દર્શાવી છે.

આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ નિષ્ણાત ડાક્ટર્સ કોરોના સામેની લડાઈમાં મુંબઈને મદદરૂપ બનશે. કેરલાના 25 ડાક્ટર્સ સોમવારથી ડયુટી સંભાળશે તો 15 દિવસમાં વધુ 50 ડાક્ટર્સ આવશે. પાલિકાની મહત્વની હાસ્પિટલોમાં ઈન્ટર્ન્સ, નિવાસી અને મેડિકલ કાલેજ ફેકલ્ટીના મળી કુલ 4,000 ડાક્ટર્સ દિવસરાત કાર્યરત છે, પરંતુ નવેસરથી બંધાતી કાવિડ સુવિધાઓ માટે પૂરતી માનવબળની અછત જ છે.

એક અધિકારીના જણાવ્યાનુસાર, આગામી થોડા દિવસોમાં અમે વધુ 6,000 થી 10,000 જેટલાં બિછાના ક્વારેન્ટીન સેન્ટરમાં ઉમેરીશું. પરંતુ તકલીફ એ છે કે પૂરતાં ડાક્ટર્સના અભાવે તેને સંપૂર્ણપણે કાર્યાન્વિત કરી શકાતા નથી. અમે અનેક એનજીઓ સહિત વિવિધ સૂત્રો સાથે સંકળાયેલા ડાક્ટર્સનો સંપર્ક સાધી રહ્યા છીએ.

દરમ્યાન જ પાલિકાના તમામ 24 વોર્ડમાં પાલિકા અધિકારીઓએ પોતાના વિસ્તારની એકથી બે હાસ્પિટલો પોતાના તાબામાં લીધી છે. જેથી પ્રત્યેક વોર્ડમાં આશરે 100 બેડ ઉપલબ્ધ થશે અને મુંબઈમાં કુલ વધુ 2400 બિછાના ઉપલબ્ધ થશે. સાથે જ પ્રત્યેક વોર્ડમાં આ બિછાના સાથે જ 20 આઈસીયુ રખાતાં કુલ 480 વધુ આઈસીયુ બેડ ઉપલબ્ધ થશે.

(12:59 pm IST)