Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અમેરિકામાં પ્રચંડ તનાવઃ એક પ્રદર્શનકારીનું મોતઃ જો બીડન- હોલીવુડ- ગુગલ- લેડીગાગા સહિતનાઓ દ્વારા રંગભેદનો પ્રચંડ વિરોધ

મિની પોલીસમાં જયોર્જ ફલોયડની પોલીસ દ્વારા હત્યાથી આખા દેશમાં હિંસક પ્રદર્શનોઃ હિંસક ભીડ દ્વારા મિડીયાના લોકોને પણ નિશાન બનાવાયાઃહયુસ્ટનમાં આજે જયોર્જ ફલોઈડના અંતિમ સંસ્કાર કરાશે : પ્રદર્શનકારીઓ દ્વારા માસ્ક ન પહેરાતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન થતા કોરોના અમેરિકામાં ફરી ઉથલો મારે તેવી ચિંતા વ્યકત કરતા સ્વાસ્થ્ય તજજ્ઞો

વોશિંગ્ટનઃ અમેરિકાના મિનેસોટા રાજયના મિનેપોલિસ શહેરમાં પોલીસની કસ્ટડીમાં અશ્વેત ફ્લોયડનું મોત થયા બાદ ૩૦ શહેરમાં પ્રદર્શન થઈ રહ્યું છે. કેટલાક શહેરોમાં તો પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. લોસ એન્જેલસ, ફિલાડેલ્ફિયા અને એટલાન્ટા સહિત ૧૬ રાજયના ૨૫ શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પે દેખાવકારોને ચેતવણી આપી છે કે તે અમારી પાસે ખતરનાક કુતરા અને ઘાતક હથિયાર છે.

પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર અમેરિકામાંથી ૧૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા લોકો પૈકી ૮૦ ટકા મિનેપોલિસમાંથી છે. મિનેપોલિસમાં ગુરૂવારે બપોરથી શનિવાર બપોર સુધી હિંસા, ચોરી, સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ ૫૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી ૪૩ લોકો મિનેપોલિસમાંથી હતા. દરમિયાન ફિલાડેલ્ફિયામાં ૧૩ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ કમિશ્નર ડેનિયલ આઉટલોના જણાવ્યા પ્રમાણે વિરોધ પ્રદર્શનકારીઓએ પોલીસની ૪ ગાડીને આગ લગાવી દીધી હતી. આ સમયે ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ન્યુયોર્કમાં પ્રદર્શનકારીઓએ પોલીસના અનેક વાહનોમાં આગ લગાડી હતી. પોલીસે અનેક લોકોની ધરપકડ કરેલ. એટલાંટા, લોસ એન્જલીસ, ફિલોડેલ્ફીયા, ડેનવર, સિનસિનાટી, પોર્ટલેન્ડ, ઓરેગન, લુઈસવિલે, કેંટકી સહીત ઘણા મુખ્ય શહેરોમાં કફર્યુ હોવા છતા રાતભર હિંસક ઘટનાઓ બની હતી.

સાલ્ટ લેક સીટીમાં એક વ્યકિતએ પ્રદર્શનકારીઓ ઉપર ધનુષથી તીર છોડતા જેના જવાબમાં ભીડ દ્વારા તે વ્યકિત ઉપર હુમલો કરેલ. લોન્સ એજંલીસની ગલીઓમાં આગજનીના બનાવો બનેલ. પ્રદર્શનકારીઓએ ઉત્તરી કૈરોલીનામાં અમેરીકાના ઝંડાને તોડી નાખેલ.

ઈન્ડીયાના સતત બીજા દિવસે પ્રદર્શનકારીઓ દ્વારા ઈમારતોને ક્ષતીગ્રસ્ત કરવા અને ઓફીસોને આગને હવાલે કરેલ. અહીં પ્રદર્શન દરમિયાન ફાયરીંગમાં એક વ્યકિતનું મોત થતા પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.

ઉપરાંત સોશ્યલ મિડીયામાં પ્રદર્શનકારી મૈનહટ્ટન, ટાઈસ સ્કેવરના ફિફથ એવન્યુ સ્થિત ટ્રમ્પ ટાવર, કોલંબસ સર્કલ ઉપર ભેગા થઈ ફલોઈડના મોતનો વિરોધ કરતા દર્શાય છે. અન્ય એક વિડીયોમાં ન્યુયોર્કમાં અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓ ઉપર લાઠી ચાર્જ અને તેમને દૂર કરતા નજરે પડે છે.

ન્યુયોર્કના મેયર બિલ ડી બ્લાસીયોએ બ્રુકલીનમાં થયેલ પ્રદર્શનનો હવાલો આપતા જણાવેલ કે કેટલાક લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન માટે આવેલ, પણ બીજા લોકોએ તેમને હિંસા માટે ભડકાવેલ. ન્યુયોર્કના ગર્વનર કુઓમોએ જણાવેલ કે અમેરિકાના ઈતિહાસ રંગભેદ અને ભેદભાવથી ભરેલો છે, આ હકીકત છે. આ ઓક્રોશ અને હતાશા પાછળ મોટુ કારણ છે. હું પ્રદર્શનકારીઓની સાથે છું. પણ હિંસા કોઈપણ મામલાનો હલ નથી. ઉપરાંત લોસ એન્જલીસમાં હોલીવુડ એકટર કેડ્રીક સૈંપસન પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા હતા. તેમને પોલીસ દ્વારા પીટવામાં આવેલ અને રબરની ગોળી પણ લાગી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર અમેરિકામાં હિંસક ભીડના નીશાન ઉપર મુખ્યરૂપે મિડીયાના લોકો આવ્યા છે. વ્હાઈટ હાઉસ બહાર ફોકસ ન્યુઝના લેલૈંડ વિટરેટની પિટાઈ કરાયેલ. શનિવારે કોલંબીયામાં ટીવી રિપોર્ટર ઉપર ઈંટથી હુમલો થયેલ. મિનીપોલીસમાં એક પત્રકારને રબરની બુલેટ ઘુસી ગયેલ. પીટર્સબર્ગમાં એક ટીવી કેમેરામેનને પણ ભીડ દ્વારા માર મારવામાં આવેલ.

પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલ લોકોને છોડવવા બોલીવુડની અનેક હસ્તીઓ અને ડેમોક્રેટીક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનનો સ્ટાફ આગળ આવ્યો છે. અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ ૧૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ થઈ છે.

પ્રદર્શનકારીઓ માસ્ક પહેરતા ન હોય અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા હોય સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કોરોના ફરી ફેલાવાની ચિંતા પણ વ્યકત કરી છે. જયારે કોરોનાનો મૃત્યુ દર નીચો ગયો છે અને અર્થવ્યવસ્થાને ફરી ખોલવાની કોશીશ થઈ રહી છે.

સ્થિતિને કાબુ કરવા ૬ પ્રાંતોમાં નેશનલ ગાર્ડને બોલાવાયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રાબર્ટ ઓ બ્રાયને જણાવેલ કે નેશનલ લેવલે નેશનલ ગાર્ડને તૈનાત કરવાનો નિર્ણય કરાયો નથી. જે-તે પ્રાંતના મેયર અને ગર્વનરના અનુરોધ ઉપર તેમને મોકલવામાં આવે છે.

અમેરિકામાં ઉગ્ર પ્રદર્શનકારીઓના સમર્થન માટે ગઈકાલે લંડન અને બર્લીનમાં રેલીઓ યોજાયેલ. ટૈરફલ્ગર સ્કેવર ખાતે એકત્ર થયેલ લોકોએ પદયાત્રા કાઢી હતી, જે અમેરિકી દુતાવાસ ખાતે પૂરી થયેલ. બર્લીનમાં પણ અમેરિકી દૂતાવાસ સામે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ પોસ્ટરો દ્વારા જયોર્જ ફલાઈડને ન્યાય આપવા, હત્યા બંધ કરવા માંગ કરેલ.

ગુગલે પણ નસલ સમાનતાનું સમર્થન કરતુ હોવાનું જણાવેલ. સીઈઓ સુંદર પિચાઈએ જણાવેલ કે અમે યુએસ ગુગલ અને યુ-ટયુબના હોમ પેજ દ્વારા નસલ સમાનતાનું સમર્થન કરીએ છીએ અને અશ્વેત સમુદાયના પક્ષમાં ઉભા છીએ. ગાયીકા લેડી ગાગાએ પણ ભેદભાવ ખતમ કરવા અને બદલાવનો સમય હોવાનું જણાવેલ.

જયોર્જ ફલાઈડની ઘટનામાં સામેલ પોલીસ અધિકારી ડેરેક ચૌવીનને પાણીચું આપી તેના ઉપર જધન્ય હત્યા અને નરસંહારનો મામલો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ જયોર્જનું પાર્થીવ શરીર આજે હયુસ્ટન લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર કરાશે.(૩૦.૫)

 

(12:58 pm IST)