Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

આજથી રેલવે-રેશન કાર્ડ સહિત અનેક નિયમો બદલાયા

વન નેશન વન રેશન કાર્ડ” સ્કીમ: LPG સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની કિંમતની નીતિ : ઈન્કમટેક્સનું ફોર્મ 26એએસ સહિતના ફેરફાર

નવી દિલ્હી: આજે 1-જૂનથી “અનલૉક-1”ની શરૂઆત થઈ છે. જે 30-જૂન સુધી લાગૂ રહેશે. પ્રથમ તબક્કામાં 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શૉપિંગ મૉલ કેટલીક શરતો સાથે ખુલવાના છે. આ ઉપરાંત એકથી બીજા રાજ્યમાં જવા માટેનો પ્રતિબંધ સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય રહેશે. આમ ક્યાંય પણ અવરજવર માટે કોઈની પરવાનગીની જરૂરિયાત નહીં રહે. જો કે રાજ્યોને જો લાગે, તો તે કેટલાક પ્રતિબંધો લગાવી શકે છે. જેની જાણકારી તેઓ પહેલા જ આપી દેશે.

હજુ પણ લાખો લોકો દેશના અલગ-અલગ ભાગોમાં ફસાયેલા છે. એવામાં રેલવેએ 1-જૂનથી 200 નૉન એસી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રીએ ખુદ તેની જાહેરાત કરી હતી. રેલવેએ આવી 200 પેસેન્જર ટ્રેનોની યાદી જાહેર કરી છે, જે આજથી શરૂ થવા જઈ રહી છે.

આ ટ્રેનોમાં દૂરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ જેની ટ્રેનો સામેલ છે. 12-મેથી ચાલી રહેલી 15 જોડી રાજધાની સ્પેશિયલ ટ્રેનો અલગ જ છે.

 

આજથી દેશના 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં “વન નેશન વન રેશન કાર્ડ” સ્કીમ લાગૂ થવા જઈ રહી છે. આ યોજના લાગૂ થયા બાદ કાર્ડ ધારક વ્યાજબી કિંમતે સમગ્ર દેશમાં ક્યાંયથી પણ રાશનનો સામાન લઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે “આત્મનિર્ભર રાહત પેકેજ”ની જાહેરાત કરવા દરમિયાન આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત દર મહિનાની પ્રથમ તારીખે LPG સિલિન્ડરની કિમતમાં ફેરફાર લાગુ થાય છે. આજે ઘરેલુ ગેસની કિંમતમાં બદલાવ સંભવ છે. જૂનમાં આર્થિક ગતિવિધિઓમાં તેજી આવશે અને પેટ્રોલ-ડીઝલની માંગ પણ વધશે. માનવામાં આવી રહ્યું છે કે, આજથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળે.

બજેટ કેરિયર (GoAir) સરકારી આદેશો અને નિયમોનું પાલન કરતા આજથી પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ બુધવારે ટ્વીટર પર જાહેરાત કરી હતી કે, 25-મેથી સમગ્ર દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ થઈ જશે, પરંતુ તેના માટે પેસેન્જરો અને એરલાઈન્સને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જે બાદ ગોએરને બાદ કરતાં શુક્રવારથી એર ઈન્ડિયા સહિત તમામ ભારતીય એરલાઈન્સ કંપનીઓએ ડોમેસ્ટિક બુકિંગ શરૂ કરી દીધુ હતું.

ઈન્કમટેક્સ વિભાગ તરફથી સંશોધિત ફોર્મ 26એએસ આજથી લાગૂ થઈ રહ્યું છે. જેમાં સબંધિત નાણાંકીય વર્ષમાં કાપવામાં આવેલા ટેક્સ ઉપરાંત લેવડ-દેવડની વિગતો રહેશે. કરદાતા ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટ પર જઈને પોતાનું PAN નંબર ડાયલ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકશે.

(12:15 pm IST)