Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નેપાળનો વિવાદાસ્પદ નિર્ણય : ચીનની ઉશ્કેરણી હેઠળ ૧૭૦૦ કિમી ખુલ્લી સરહદ પર હવે સૈન્ય ગોઠવશે : ભારતની બાજ નજર

ભારત સાથેની ૨૦ સરહદો સિવાય બાકી બધી જ સરહદો બંધ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી તા. ૧ : ભારત અને નેપાળ વચ્ચે સરહદનો વિવાદ યથાવત છે, જયારે સરહદ વિવાદમાં નેપાળ ચીનની ઉશ્કેરણી હેઠળ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઈ રહ્યું છે. ભારત વિરુદ્ઘ ઝેર ઓકતા નેપાળના ડાબેરી વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારતના ત્રણ સ્થળોને પોતાના નકશામાં દર્શાવીને વિવાદ ઊભો કર્યા પછી હવે તેમણે નેપાળમાં પ્રવેશ કરવા માટે ખુલ્લી સરહદોને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે નેપાળ સરકાર નિશ્ચિત સરહદીય ક્ષેત્રમાંથી જ લોકોને નેપાળમાં પ્રવેશ આપશે. ભારત સાથે તણાવને ધ્યાનમાં રાખતાં નેપાળે તેના સરહદીય વિસ્તારોમાં સૈન્ય ગોઠવવાને પણ મંજૂરી આપી દીધી છે. બંને દેશની સરહદો પર સૌપ્રથમ વખત નેપાળ સૈન્ય ગોઠવશે.

નેપાળ અને ભારત વચ્ચે અત્યાર સુધી અંદાજે ૧,૭૦૦ કિ.મી.ની ખુલ્લી સરહદો છે. નેપાળ અને ભારતના નાગરિકો કોઈપણ રોકટોક વિના એકબીજાની સરહદો ઓળંગી શકતા હતા. પરંતુ નેપાળ સરકારના તાજા નિર્ણયથી હવે માત્ર ચોક્કસ સરહદો પરથી જ લોકોને નેપાળમાં પ્રવેશવાની મંજૂરી મળશે. નેપાળ સરહદ વિવાદમાં ભારત સાથે સંઘર્ષના મૂડમાં છે. નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીની કેબિનેટે સરહદ વ્યવસ્થાપન અને સલામતીના નામે કડકાઈ દર્શાવતાં ભારત સાથેની ૨૦ સરહદો સિવાય બાકી બધી જ સરહદો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત સાથેના તણાવને જોતાં નેપાળે તેના સરહદીય ક્ષેત્રોમાં સૈન્ય ગોઠવવાને પણ મંજૂરી આપી દીધી છે. પહેલી વખત નેપાળ-ભારત સરહદે સૈન્ય ગોઠવાઈ રહ્યું છે. જોકે, નેપાળ-ભારત વચ્ચે સરહદને નિયંત્રીત કરવી, બંધ કરવી અને સૈન્ય ગોઠવવું એ બંને દેશો વચ્ચે ૧૯૫૦માં થયેલી મૈત્રી સંધિ વિરુદ્ઘ છે. નેપાળની ડાબેરી કોમ્યુનિસ્ટ પાર્ટી હંમેશા આ સંધિની વિરુદ્ઘ છે. ચીનના છૂપા સમર્થનથી નેપાળમાં ઊભા થયેલા ડાબેરી નેતાઓનો મોટો એજન્ડા ભારત સાથે સાંસ્કૃતિક, ધાર્મિક, પારિવારિક અને રાજકીય સંબંધો ખતમ કરવાનો છે.

નેપાળ સરકારે ભારત સાથે સરહદ વિવાદમાં વાટાઘાટોના સૂચનનો ઈનકાર કરી દીધો છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકારે સંસદમાં બંધારણમાં સુધારાનું એક બીલ રજૂ કર્યું છે. આ બીલ મારફત દેશના રાજકીય નકશા અને રાષ્ટ્રીય પ્રતિક બદલવામાં આવી રહ્યા છે. નેપાળે નવા નકશામાં ભારતના ૩૯૫ ચો. કિ.મી.ના ત્રણ વિસ્તારો કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખને પોતાની સરહદમાં દર્શાવ્યા છે. નેપાળની સરકારને હવે આ મુદ્દા પર મુખ્ય વિપક્ષ નેપાળી કોંગ્રેસનું પણ સમર્થન મળી ગયું છે. અગાઉ આ બિલ બુધવારે સંસદમાં રજૂ થવાનું હતું. પરંતુ તે સમયે વિપક્ષે સાથ ન આપતાં ખરા સમયે બિલ સંસદની કાર્યસૂચીમાંથી હટાવી લેવાયું હતું. જોકે, હવે તેને વિપક્ષનો સાથ મળ્યો હોવાથી ફરીથી બિલ રજૂ કરાયું છે, જે વિપક્ષના સમર્થનથી નજીકના સમયમાં સંસદમાંથી પસાર થઈ જાય તેવી સંભાવના છે.

(12:06 pm IST)