Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ચીનની ભારતને ખુલ્લી ચેતવણી

અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો

એકસપટર્સ મુજબ, ચીન અને અમેરિકા વચ્ચે કોરોના સંક્રમણ બાદથી શરૂ થયેલો વિવાદ દુનિયાને 'નવા કોલ્ડ વોર' તરફ ધકેલી શકે છે

બીજિંગ, તા.૧: ચીન અને ભારતની વચ્ચે સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. આ ક્રમમાં રવિવારે ચીને ભારતને ખુલી ધમકી આપતાં કહ્યું કે, ભારતે ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદથી દૂર રહેવું જોઈએ. ચીને ભારતને 'સતર્ક' રહેવાની સલાહ આપતાં કહ્યું કે તેમાં દખલ કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. એકસપર્ટ્સ મુજબ, ચીન અને અમેરિકા વચ્ચે કોરોના સંક્રમણ બાદથી શરૂ થયેલો વિવાદ દુનિયાને 'નવા કોલ્ડ વોર' તરફ ધકેલી શકે છે.

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખ મુજબ, ચીને કહ્યું કે કેટલીક એવી શકિતઓ છે જે ભારત સરકારને આ કોલ્ડ વોરમાં એક પક્ષના સમર્થનમાં ઊભું રહેવા માટે કહી રહ્યું છે, જેનાથી આ સ્થિતિનો એ લોકો પણ ફાયદો ઉઠાવી શકે. આવી શકિતઓ ભારતીય સરકારના ઓફિશિયલ સ્ટેન્ડથી સંબંધ નથી રાખતા અને ચીન વિશે ખોટી સૂચનાઓ અને અફવા ફેલાવવામાં આવી રહી છે. જો સ્પષ્ટ કહેવામાં આવે તો ચીન-અમેરીકા વિવાદમાં ભારતને ફાયદો ખૂબ ઓછો, પરંતુ નુકસાન ઘણું મોટું થઈ શકે છે. તેના કારણે મોદી સરકાર આ કઠિન પરિસ્થિતિ સાથે ઘણી સમજદારીની સાથે પગલાં ભરી રહી છે.

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત-ચીન સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઓફર આપી ચૂકયા છે, જોકે બંને દેશોએ આ ઓફરને ઠુકરાવી દીધી છે.

ભારત એન ચીનની સેનાઓની વચ્ચે ૨૫ દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધની વચ્ચે બંને દેશ પૂર્વ લદાખના વિવાદિત ક્ષેત્રની પાસે સ્થિત પોતાના સૈન્ય અડ્ડા પર ભારે ઉપકરણ અને તોપ તથા યુદ્ઘક વાહનો સહિત હથિયાર પ્રણાલીઓને પહોંચાડી દીધા છે. બંને સેનાઓ દ્વારા ક્ષેત્રમાં પોતાની યુદ્ઘક ક્ષમતાઓને વધારવાની આ કવાયત એવા સમયે થઈ રહી છે જયારે બંને દેશો દ્વારા સૈન્ય તથા કૂટનીતિક સ્તરે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે ચીની સેના પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે સૈન્ય અડ્ડાઓ ખાતે ક્રમિક રીતે તોપો, યુદ્ઘક વાહનો અને ભારે સૈન્ય ઉપકરણો એકત્ર કરવામાં આવી રહ્યા છે.

(11:43 am IST)