Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પ્રવાસી મજૂરોને લોકડાઉન પહેલા જવા દીધા હોત તો કેસો ન વધ્યા હોત

પ્રવાસી મજૂરો દેશના દરેક ભાગમાં કોરોના સંક્રમણ સાથે પહોંચી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧: લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની અવર-જવર અને દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો મુદ્દે જન સ્વાસ્થ નિષ્ણાંતોનું કહેવુ છે કે જો પ્રવાસી મજૂરોને લોકડાઉન લાગૂ કર્યા પહેલા વતન જવાની મંજૂરી આપી દેવાઇ હોત તો દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોને અટકાવવા શકય હતા, કારણ કે એ સમયે મહામારીનો ફેલાવો ઓછા પ્રમાણમાં હતો.

એમ્સ, જેએનયૂ, બીએચયૂ સહિત અન્ય સંસ્થાઓના જન સ્વાસ્થ નિષ્ણાંતોએ કોરોના વાયરસ પર એક રિપોર્ટમાં કહ્યુ કે પરત ફરી રહેલા પ્રવાસીઓ હવે દેશના દરેક ભાગમાં સંક્રમણ સાથે પહોંચી રહ્યા છે અને એવા વિસ્તારોમાં જઇ રહ્યા છે જયાં કોરોના સંક્રમણના કેસો નહિવત કે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા.

ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન અને ઇન્ડિયન એસોસિએશન ઓફ એપિડમોલોડજીસ્ટના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રિપોર્ટને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ મોકલવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, ભારતમાં ૨૫ માર્ચથી ૩૦મી સુધી દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કોરોના સંક્રમણના કેસો સૌથી ઝડપી વધ્યા હતા.

નિષ્ણાંતોનું માનવુ છે કે આ મહામારી વિશે દેશવાસીઓમાં પૂરતી માહિતીનો અભાવ છે. બીજી તરફ નિર્ણયકારોએ સ્પષ્ટ રીકે સામાન્ય પ્રશાસનિક નોકરશાહો પર ભરોસો કર્યો. મહામારી વિજ્ઞાન, જન સ્વાસ્થ, દવાઓ જેવા મુદ્દાઓ પર મર્યાદિત વિચાર કરવામા આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે ભારત, કોરોન મહામારીના ફેલાવાથી મોટી કિંમત ચૂકાવી રહ્યુ છે. રિપોર્ટમાં જન સ્વાસ્થ અને માનવીય સંકટો સામે કાર્યરત કેન્દ્રો, રાજય અને જીલ્લા સ્તરો પર કાર્યરત ટીમો, નિષ્ણાંકો અને સામાજીક વિજ્ઞાનીઓની એક સમિતિની રચના કરવાની સલાહ આપવામાં આવી હતી.  રિપોર્ટમાં નિષ્ણાંતોએ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોના પાલન પર જોર આપતા સામાજીક સ્તરે તણાવ અને લોકડાઉન સંબંધી માનસિક સ્વાસ્થ ચિંતાઓને દૂર કરવા માટે સામાજીક મેળાપ વધારવાના પગલાઓને પ્રોત્સાહન આપવુ ભલામણ કરી હતી.

(11:42 am IST)