Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આખુ સપ્તાહ વાતાવરણમાં અસ્થિરતા : પ્રિમોન્સુન એકટીવીટી ચાલુ રહેશે

સિસ્ટમ્સ મજબૂત બની આવતીકાલ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે, તા.૩ જૂન આસપાસ મુંબઈ અને તેને લાગુ ગુજરાત બોર્ડર નજીક પહોંચશે : ભેજ વધુ રહેશે, વાદળો છવાયેલા જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ : આ આખુ અઠવાડીયુ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ભેજનું પ્રમાણ વધુ રહેશે. અવાર - નવાર વાદળો પણ છવાયેલા રહેશે. પ્રિ-મોન્સુન વરસાદ ચાલુ રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે કેરળમાં ચોમાસુ બેસી ગયાની હવામાન ખાતાએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચોમાસુ રેખા હવે અરબી સમુદ્રમાં ૧૨ ડિગ્રી નોર્થ ત્યાંથી કન્નુર, કોઈમ્બતુર, કન્યાકુમારી અને ત્યાંથી બંગાળની ખાડી (શ્રીલંકા અને તેની આસપાસના દરિયામાં) થોડુ આગળ વધ્યુ છે.

ટ્રેક મામલે યુરોપિયન અને જીએસએફ મોડલમાં પહેલા મતમતાંતર જોવા મળેલ હવે એકસરખા જોવા મળે છે તેમ છતાં ટાઈમીંગ અને વરસાદની માત્રાનો ફરક છે. હાલમાં લોકેશન ૧૩.૭ નોર્થ, ૭૧.૪ ઈસ્ટ મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ્સ હજુ મજબૂત બનશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમ્સ આવતીકાલ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. તા.૩ જૂન આસપાસ મુંબઈ અને તેને લાગુ ગુજરાત બોર્ડર નજીક પહોંચી જશે. હાલમાં પવન ૪૫ થી ૫૫ કિ.મી. અને ઝાટકાના પવન ૬૫ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આખુ અઠવાડીયુ ઉપલા લેવલે અસ્થિરતા જોવા મળશે. ભેજ વધુ રહેશે. પ્રિમોન્સુન એકટીવીટી ચાલુ રહેશે.

(3:50 pm IST)