Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વાવાઝોડુ ૩-૪ જૂને ગુજરાત આવતા - આવતા નબળુ પડતુ જશે : દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે

૪૮ કલાકમાં વાવાઝોડુ બની જશે, મહારાષ્ટ્ર - ગોવામાં તોફાની પવન સાથે વરસાદ ખાબકશેઃ કર્ણાટક, તેલંગણા, રાજસ્થાન, દક્ષિણ પૂર્વ મહારાષ્ટ્રમાં પણ મેઘસવારી ચાલુ રહેશે

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે - ત્રણ દિવસથી કોઈને કોઈ વિસ્તારોમાં પવનના જોર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન દરિયામાં ઉદ્દભવનાર વાવાઝોડુ ગુજરાત આવતા - આવતા નબળુ પડતુ જશે. જેની અસર દરિયાકિનારામાં વધુ જોવા મળશે.

સ્કાયમેટે જણાવ્યુ છે કે સામાન્ય રીતે ૧ જૂનથી દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે. આજથી ૩૦ સપ્ટેમ્બર સુધી ચોમાસાનો વરસાદ કહેવામાં આવે છે. જે સ્થળોએ ચોમાસુ બેઠુ ન હોય ત્યા વરસાદ પડે તો તેને પ્રિ-મોન્સુન વરસાદ કહેવામાં આવે છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ બની રહી છે જે ૪૮ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થનાર છે. જેની અસરથી મહારાષ્ટ્ર અને ગોવામાં તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશે. મહારાષ્ટ્રમાં વધુ ખાનાખરાબી સર્જાશે. જયારે આ વાવાઝોડુ ગુજરાત પહોંચતા નબળુ પડી જશે. જો કે સૌરાષ્ટ્ર - ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં તોફાની પવન સાથે સારો વરસાદ પડશે. આ વાવાઝોડાને અન્ય સિસ્ટમ્સનો પણ સપોર્ટ મળશે. જેથી રાજસ્થાન, દક્ષિણ, પૂર્વ, મધ્ય મહારાષ્ટ્રમાં તા.૩ થી ૫ જુન વરસાદ પડશે. જયારે કર્ણાટક, તેલંગણામાં વરસાદ ચાલુ રહેશે.

(11:39 am IST)