Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અનલોક ૧.૦નું સ્વાગત કરતું શેરબજાર

સેન્સેકસ ૩૩૩૦૦ ઉપરઃ નીફટીએ ૯૮૦૦ની સપાટી વટાવી : તમામ સેકટર ગ્રીન ઝોનમાં: ચોતરફી ખરીદી

મુંબઇ, તા.૧: HDFC, HDFC બેન્ક, ICICI બેન્ક અને રિલાયન્સની આગેવાનીમાં વૈશ્વિક રાહે ઈકિવટી બેન્ચમાર્ક સેન્સેકસ ૯૦૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો છે.ઓપનિંગ સેશનમાં ૩૩,૩૩૪.૯૬ પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ કર્યા બાદ સેન્ેકસ ૯૧૧ પોઈન્ટ્સ અથવા ૨.૬૫ ટકાના ઉછાળા સાથે ૩૩૩૩પ પોઈન્ટસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફ્ટી પણ ૨૬૫ પોઈન્ટ્સ અથવા ૨.૫૩ ટકા વધીને ૯,૮૪૫ પોઈન્ટસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

૭ ટકાના ઉછાળા સાથે એકિસસ બેન્કના શેર્સ ટોપ ગેઈનર રહ્યા હતા. આ ઉપરાંત ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, SBI, ICICI બેન્ક અને HDFC, HDFC બેન્કના શેર્સ પણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.બીજી તરફ એક માત્ર સન ફાર્માના શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે શેરબજાર વધીને બંધ રહ્યું હતું અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે રૂ.૧,૪૬૦.૭૧ કરોડના ઈકિવટી શેરોની નેટ ખરીદી કરી હોવાનું શેરબજારના સત્તાવાર આંકડામાં જણાવાયું છે.

વિશ્વભરમાં લોકડાઉનમાં રાહતથી ઈકોનોમી પાછી પાટે ચઢવાની આશા સાથે સ્થાનિક રોકાણકારોએ પણ વૈશ્વિક રાહે શેરબજારમાં લેવાલી શરૂ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ભારતમાં ૮ જૂનથી લોકડાઉનમાં ભારે રાહત આપવાની જાહેરાત કરી હતી. આઠમી જૂનથી શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ્સ અને ધાર્મિક સ્થળો ફરી ખૂલી જશે. જોકે, કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૦ જૂન સુધી લોકડાઉનનો કડક અમલ જારી રહેશે.ભારતમાં હાલમાં કોરોના વાઈરસથી ૧.૯૦ લાખ લોકો સંક્રમિત થયા છે અને ૫,૩૯૪નાં મોત નિપજયા હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડા પરથી જાણવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે કોરોનાથી કુલ ૬૧.૬૬ લાખ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે અને ૩.૭૨ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજે સવારે એશિયાના અન્ય બજારોમાં શાંદ્યાઈ, હોંગકોંગ અને સિઓલ શેરબજાર પણ ભારે ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

(3:49 pm IST)